
રશિયા પાસે ભારતે 28 હજાર કરોડના હથિયાર ખરીદ્યા છે. પરંતુ, ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી રશિયા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જેના કારણે ભારત હજુ સુધી રશિયાને તે ચુકવણી નથી કરી શક્યું. યુક્રેન સાથે યુદ્ધના કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા તરફથી લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધનો સામનો કરી રહેલા રશિયાને ભારત પોતાનું બાકી દેવુ ચુકવવાનો વિકલ્પ શોધી રહ્યું છે. જોકે, ભારત મોટાભાગના સૈન્ય હથિયાર અને હાર્ડવેર રશિયા પાસેથી ખરીદે છે. એવામાં સરકાર ચિંતિત છે કે ચુકવણીમાં વિલંબ થવા પર મહત્ત્વપૂર્ણ હથિયાર અને ઉપકરણોની ડિલીવરીમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડી શકે છે.
ભારત રશિયા સાથેના કરારો અંતર્ગત લાંબા અંતરની સપાટીથી હવામાં વાર કરનારી S-400 મિસાઇલ, રશિયામાં નિર્મિત ટુશિલ ક્લાસના શિપ, મલ્ટિપલ રોકેટ લોન્ચર Smerch, રોકેટ પ્રોજેક્ટાઇલ અને X-31 મિસાઇલ ખરીદે છે. આ ઉપરાંત, અન્ય ઘણી મિસાઇલો અને સૈન્ય હથિયાર અને ઉપકરણ પણ સામેલ છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને હથિયર ખરીદે છે. સમાચાર એજન્સી રોયટર્સે શનિવારે એક રિપોર્ટમાં સુત્રોના હવાલાથી કહ્યું હતું કે, ભારતીય રિફાઇનરી કંપનીઓએ અમેરિકી ડૉલરને બદલે દુબઈ બેઝ્ડ ટ્રેડર્સના માધ્યમથી UAEની મુદ્રામાં ચુકવણી કરવાનું શરૂ કરી દીધુ છે.
અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એક ટોચના અધિકારીએ જણાવ્યું કે ભારત રશિયાનું બાકી દેવુ ચુકવવા માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. તેમા એક વિકલ્પ ચીની યુઆન અને UAE દિરહમમાં રુબલ ચુકવણી શરૂ કરવાનું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલા પર ગત વર્ષે પણ રશિયા ઉપરાંત રક્ષા અને નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે આંતરિક રીતે ચર્ચા થઈ હતી. તેમા એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બાકી દેવુ ચુકવવાના વિકલ્પો પર ભારતીય રિઝર્વ બેંક સાથે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, ભારત ભલે કોઈ ત્રીજા દેશની વિદેશી મુદ્રાના માધ્યમથી ચુકવણીનો વિકલ્પ શોધી રહ્યું છે પરંતુ, મોટાભાગના રક્ષા સોદાની સંવેદનશીલ પ્રકૃતિના કારણે ભારત સંશયમાં છે. તેમજ, એક અધિકારીએ કહ્યું કે, અમે ભલે દિરહમ અને યુઆનને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છીએ પરંતુ, યુઆનની સાથે અમે એટલા સહજ નથી.
આ ઉપરાંત, ભારત સરકાર સૉવરેન બોન્ડના માધ્યમથી બાકી લેણુ ચુકવવાનો વિકલ્પ શોધી રહ્યું છે. તેમજ, એક અધિકારીએ એવુ પણ કહ્યું કે, એ વાત પર ચર્ચા કરવામાં આવી રહી છે કે શું રશિયા બાકી લેણું ભારતના એક અલગ ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. તેનાથી સરકાર જમા રાશિ પર સૉવરેન ગેરેંટી જાહેર કરી શકે છે. અધિકારીએ એવુ પણ જણાવ્યું કે, તેને હાઇબ્રિડ વિકલ્પ એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કારણ કે, સૉવરેન બોન્ડનો ઉપયોગ સામાન્યરીતે બાકી દેવુ ચુકવવા માટે નથી કરવામાં આવતો. તેમજ, ત્રીજા વિકલ્પના રૂપમાં રશિયાએ સલાહ આપી છે કે, સરકારના સ્વામિત્વવાળા ઉદ્યમોમાં રશિયાને થોડી હિસ્સેદારીની રજૂઆત કરવામાં આવે. જેને બાદમાં ચુકવણી બાદ સમાપ્ત કરવામાં આવી શકે છે. એક બીજા અધિકારીએ જણાવ્યું કે, એક વિકલ્પનો પ્રયોગ ભારત અને રશિયાના સંયુક્ત ઉદ્યમોમાં પણ કરવામાં આવી શકે છે. જ્યાં રશિયાના બદલે ભારત અસ્થાયીરીતે નિવેશ કરી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે ભારતે રશિયા બાકી લેણાની ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા વર્ષ 2018માં જ્યારે ભારતે રશિયા સાથે S-400 મિસાઇલ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા, તે સમયે પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 2018માં પણ અમેરિકાએ પોતાના વિરોધીઓને કાઉન્ટર કરવા માટે પ્રતિબંધ અધિનિયમ સીએએટીએસએના માધ્યમથી રશિયા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
જોકે, એ સમયે ભારતે બે રશિયન બેંક VTB અને Sberbankની ભારતીય બ્રાન્ચોના માધ્યમથી રક્ષા સંબંધી બાકી લેણું ચુકવ્યું હતું. સરકારે રશિયાને ડૉલરની બરાબર ભારતીય રૂપિયામાં ચુકવણી કરી હતી. પરંતુ, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં આ બેંક પર પ્રતિબંધ લાગેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp