iPhone ડિલિવરી બોયની હત્યા: 3 દિવસ લાશ ઘરમાં રાખી; સ્કૂટીમાં લઈને તેને સળગાવી

PC: aajtak.in

કર્ણાટકમાં iPhone માટે ડિલિવરી બોયની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના કર્ણાટકના હાસનની છે. 20 વર્ષીય યુવકે મોબાઈલ ખરીદવાના પૈસા ન હોવાના કારણે આ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ ડિલિવરી બોયની લાશને 3 દિવસ સુધી ઘરમાં રાખી મૂકી હતી. ત્યારબાદ લાશને રેલવે સ્ટેશનની બાજુમાં ફેંકીને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આરોપી હેમંત દત્તા મોબાઈલ ખરીદવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. આ માટે આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો. તેણે સૌથી પહેલા ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરીને iPhone મંગાવ્યો. 7 ફેબ્રુઆરીએ જ્યારે 23 વર્ષીય ડિલિવરી બોય મોબાઈલની ડિલિવરી કરવા આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને રાહ જોવાનું કહ્યું.

થોડા સમય બાદ હેમંતે તેને અંદર બોલાવ્યો અને તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીના રોજ અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યો હતો.

હત્યાના ત્રણ દિવસ પછી મૃતકના ભાઈ મંજુ નાઈકે પોલીસ સ્ટેશનમાં હેમંત નાઈકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા આરોપી પેટ્રોલ પંપ પરથી બોટલમાં પેટ્રોલ ખરીદતો પણ જોવા મળ્યો હતો.

પોલીસે રવિવારે માહિતી આપી હતી કે, આરોપીએ સેકન્ડ હેન્ડ આઈફોન ઓનલાઈન મંગાવ્યો હતો, જેની કિંમત 46,000 રૂપિયા હતી. E-Kartના ડિલિવરી બોય હેમંત નાઈકને આ ઓર્ડર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. E-Kart ફ્લિપકાર્ટની પેરેન્ટ કંપની છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પૈસા આપ્યા વગર મોબાઈલ લઈને રૂમની અંદર ગયો હતો. નાઈક પૈસા માટે દરવાજા પર રાહ જોતો હતો, પરંતુ હેમંત દત્તાએ તેને કોઈ બહાનું કાઢીને ઘરની અંદર બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી જ્યારે આરોપીને કંઈ સમજ ન પડી તો તેણે ત્રણ દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી મુક્યો હતો.

આવો જ એક કિસ્સો ગયા વર્ષે ઓગસ્ટમાં આવ્યો હતો, જ્યારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ઝોમેટો ડિલિવરી બોયની હત્યા કરવામાં આવી હતી. તે ઓર્ડર લઈને ડિલિવરી કરવા જતો હતો. રસ્તામાં ત્રણ યુવકોએ તેને રોકીને છરી વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ડિલિવરી બોય પોતે લગભગ દોઢ કિમી સુધી બાઇક ચલાવીને ઓરોબિંદો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાર પછી તેને MY હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp