શું પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા રાજકારણમાં આવી રહ્યા છે? આપ્યો મોટો સંકેત

PC: twitter.com/irobertvadra

આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાજકારણમાં પ્રવેશવા વિશે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવાની વાત પર તેમણે કહ્યું હતું કે, આ એવો નિર્ણય નથી કે હું એકલો લઇ શકું. એની પર પરિવાર અને પાર્ટીએ નિર્ણય લેવાની જરૂરત છે, હું તો તૈયાર જ છું. વાડ્રાના આ નિવેદનથી રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની તૈયારીનો સંકેત પણ આનાથી મળે છે.

લોકસભાની ચૂંટણી લડવાનો રોબર્ટ વાડ્રાએ સંકેત આપ્યો તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલાં પણ તેમણે કેટલાંક મહિનાઓ પહેલાં કહ્યુ હતું કે, લોકો એવું ઇચ્છે છે કે હું મુરાદાબાદ અથવા ઉત્તર પ્રદેશમાં કોઇક જગ્યાએથી પ્રતિનિધિત્વ કરું અને સમાજની સેવા કરુ.

રોબર્ટ વાડ્રાનો જન્મ પણ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જ થયો છે. હવે ફરી એકવાર ચૂંટણીના પડઘમ પહેલાં વાડ્રાએ પોતાની મહત્ત્વાકાંક્ષાને ખુલીને વ્યકત કરી છે. એવામાં તેમની ચુંટણી લડવાની અટકળો સ્પષ્ટ નજરે પડી રહી છે.

રોબર્ટ વાડ્રાએ પોતાની ફેસબુક વોલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે, આવા સંસદસભ્યો દ્વારા પ્રતિનિધિત્વ કરવા પર શરમ આવે છે. તાત્કાલિક પરિવર્તનની જરૂર છે. ચાલો 2024 માં એક સમજદાર, વધું વહેવારુ અને પ્રગતિશીલ પરિવર્તન કરીએ. રોબર્ટ વાડ્રાએ થોડા દિવસો પહેલા તેમની ફેસબુક વોલ પર પોસ્ટ કર્યું હતું.જેની પર એક યૂઝરે લખ્યું છે કે, આવો રોબર્ટ, આ જ યોગ્ય સમય છે. રાહુલ અને પ્રિયંકાને તમારી જરૂરત છે. સામેલ થઇ જાઓ. એની પર પ્રતિક્રિયા આપતા રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે, હું તો તૈયાર છું, પરંતુ આ નિર્ણય પરિવાર અને પાર્ટીએ લેવાનો છે. આ એવો નિર્ણય છે જે હું એકલો લઇ શકું નહીં. વાડ્રાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે લોકસભા ચૂંટણી લડવાનું તેમણે મન બનાવી લીધું છે.

રોબર્ટ વાડ્રા ચૂંટણી લડશે તેવી અટકળો પણ તેજ બની છે કારણ કે તેઓ કોંગ્રેસની તમામ મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. ભારત જોડો યાત્રા હોય કે પાર્ટીનો અન્ય કોઈ મોટો કાર્યક્રમ. આજે તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધી સાથે રાજઘાટ પણ પહોંચ્યા હતા. સાથે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર હતા.

 આ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્રારા મોદી સરનેમ પર ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાના નિર્ણય પછી વાડ્રાએ કહ્યું હતું કે, રાહુલ પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હું ખુશ છું. સત્યની હમેંશા જીત થાય છે. દેશની ન્યાય પ્રણાલીમાં અમે વિશ્વાસ રાખીએ છીએ. રાહુલ વધારે મજબુત થઇને બહાર આવશે. તેઓ દેશના લોકો માટે બધા મુદ્દાઓ ઉઠાવે છે.

રાજકારણના જાણકારોનું કહેવું છ કે, જો રોબર્ટ વાડ્રાની રાજકારણમાં એન્ટ્રી થાય છે તો તેઓ રાયબરેલી અથવા અમેઠીથી લોકસભા લડી શકે છે. જો રાહુલ ગાંધી અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડે એવું નક્કી થાય તો પછી વાડ્રાને રાયબરેલીની બેઠક પરથી ઉતારવામાં આવશે. અને એ જ રીતે જો રાહુલ રાયબરેલીથી લડશે તો વાડ્રાને અમેઠીની બેઠક મળશે.

આવું માનવા પાછળનું કારણ એવું છે કે સોનિયા ગાંધીના આરોગ્યના પ્રશ્નોને લઇને આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડવાની તેમની સંભાવના ઓછી છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસીમાં PM મોદીને પડકારવા ઉતારવામાં આવે તેવો દાવો કોંગ્રેસ પાર્ટી અનેક વખત કરી ચૂકી છે. એવામાં રોબર્ટ વાડ્રા માટે અમેઠી અને રાયબરેલીના વિકલ્પ દેખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp