જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ફાંસીની સજા પામેલા ચારેયને નિર્દોષ છોડ્યા

PC: newsnationtv.com

રાજસ્થાન હાઈકોર્ટે જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ 4 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં ડેથ રેફરન્સ સહિત દોષિતો દ્વારા રજૂ કરવામાં આવેલી 28 અપીલ પર ચુકાદો આપ્યો છે.

બુધવારે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દોષિતોની અપીલ સ્વીકારતા તેમના પક્ષમાં રાહત થાય એવો નિર્ણય સંભળાવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સમીર જૈનની ડિવિઝન બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં દોષિત સગીરનો કેસ જુવેનાઈલ બોર્ડને મોકલી આપ્યો છે. અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

વર્ષ 2019ની શરૂઆતમાં જયપુરની નીચલી અદાલતે જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો આપતાં ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓને UAPAની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સાથે જ કોર્ટે એક આરોપીને નિર્દોષ પણ જાહેર કર્યો હતો. વાસ્તવમાં આ કેસમાં પાંચ આરોપી હતા. જ્યારે 2019માં નીચલી અદાલતે સુનાવણી કરી ત્યારે તેમાંથી ચારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

2019માં કોર્ટે આ કેસમાં આરોપી શાહબાઝ હુસૈનને નિર્દોષ જાહેર કર્યો હતો. જ્યારે મોહમ્મદ સૈફ, સરવર આઝમી, સૈફુર રહેમાન અને એક સગીરને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પાંચેય આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ પંકજ ભંડારી અને સમીર જૈનની ડિવિઝન બેન્ચે કહ્યું કે, તપાસ અધિકારીને કાયદાકીય જાણકારી નથી. તેથી DGPને તપાસ અધિકારી સામે પણ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે મુખ્ય સચિવને તપાસ અધિકારીઓ સાથે તપાસ કરવા પણ કહ્યું છે.

હકીકતમાં, 2008માં થયેલા આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ રાજસ્થાન સરકારે આરોપીઓને પકડવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની રચના કરી હતી. આ મામલામાં જયપુરના ચાંદપોલ હનુમાન મંદિર, સાંગાનેરી ગેટ હનુમાન મંદિર સહિત ઘણી જગ્યાએ વિસ્ફોટ થયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, 13 મે, 2008ના રોજ રાજસ્થાનની રાજધાની જયપુરમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અલગ-અલગ જગ્યાએ 8 સિરિયલ બ્લાસ્ટથી આખું જયપુર હચમચી ગયું હતું. આ ઘટનામાં 71 લોકોએ જીવ ગુમાવ્યા અને લગભગ 176 લોકો ઘાયલ થયા. ATSએ જયપુર બ્લાસ્ટ કેસમાં 11 આતંકીઓને પકડ્યા હતા.

આ કેસમાં ATS રાજસ્થાન દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, હૈદરાબાદ પોલીસે આ કેસ સાથે સંબંધિત બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પણ એક આતંકીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે, ત્રણ આરોપી લાંબા સમયથી ફરાર હતા જ્યારે બે આરોપીઓ મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp