જમ્મુ-કાશ્મીર: ગુમ થયેલા આર્મી જવાનની માતાનો કલ્પાંત, મારા દીકરાને પાછો આપો

PC: advtoday.co

જમ્મુ-કશ્મીરમાં સેનાનો એક જવાન ગુમ થઇ ગયો છે. કુલગામમાં રહેતો આ આર્મી જવાન ઇદની રજા મનાવવા ઘરે આવ્યો હતો. 29 જુલાઇએ તે નજીકના શહેરમાં પોતાની કારમાં સામાન લેવા માટે ગયો હતો. જવાનની કાર મળી ગઇ છે, પરંતુ જવાન લાપત્તા છે. કારમાંથી લોહીના નિશાન અને જવાનના ચંપલ મળ્યા છે. એવામાં તેના અપહરણની શંકા સેવવામાં આવી રહી છે. ભારતીય સેના અને પોલીસ સાથે મળીને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ, ગુમ થયેલા આ જવાનનું નામ જાવિદ અહમદ વાણી છે અને તે 25 વર્ષનો જુવાન છે. જાવિદનું અત્યારે લેહમાં પોસ્ટિંગ હતું. જાવિદનું ઘર કુલગામાના અસથલ ગામમાં છે. રવિવારે, 30 જુલાઇએ તેની રજા પુરી થવાની હતી અને તે પાછો પોતાની ડ્યુટી પર જવાનો હતો.

રિપોર્ટસ મુજબ જાવિદ વાણી 29 જુલાઇની રાત્રે 8 વાગ્યે પોતાના ઘરેથી કારમાં ચાવલગામ જવા માટે નિકળ્યો હતો. તે પોતાની અલ્ટો કાર લઇને ગયો હતો. ત્યારથી જાવિદ ગુમ છે. પરિવાર અને અડોશ પડોશના લોકો તેની શોધખોળ કરી રહ્યા છે.

સર્ચ દરમિયાન જાવેદની કાર કુલગામ નજીક પ્રાણહાલ પાસેથી મળી આવી હતી. કાર ખુલ્લી હાલતમાં મળી આવી હતી.કારમાંથી જવાનના ચંપલ અને લોહીના ડાઘ મળી આવ્યા છે. જાવેદને શોધવા માટે સેના અને પોલીસ સંયુક્ત રીતે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જાવેદના પરિવારનો દાવો છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જો કે પોલીસ કે સેનાએ હજુ સુધી આ દાવાને સમર્થન આપ્યું નથી.

જાવિદ વાણીના માતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માતા અપીલ કરી રહી છે. માતાએ કહ્યું કે હું બધાને કહેવા માંગું છું કે મારા દીકરાને પાછો આપો. તે નિદોર્ષ અને નાનો છે. જો તેનાથી કોઇ ભુલ થઇ હોય તો, હું માફી માંગું છું.

મીડિયા સાથે વાત કરતા જાવિદના એક સંબંધીએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે, જાવિદને કોઇ ઉઠાવી ગયું છે. તેમણે કહ્યું કે, હું એ નવયુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છે કે અલ્લાહને ખાતર પણ જાવિદને છોડી દો. તેના માતા-પિતા પરેશાન છે, તેમની પર દયા કરો. તે ઇદ પર આવ્યો હતો, પાછો ફરજ પર જવાનો હતો.

જો કે જમ્મુ-કશ્મીરમાં જવાનોના અપહરણ થવાની આ પહેલી ઘટના નથી, આ પહેલાં પણ અનેક બનાવો બન્યા છે. વર્ષ 2017માં રજામાં ઘરે આવેલા એક યુવાન સેના અધિકારીનું શોંપિયાથી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું અને એ પછી તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

વર્ષ 2022માં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ભારતીય સેનાના જવાન સમીર અહમદ મલ્લનું અપહરણ કર્યું હતું અને તે પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp