BJP સાંસદ કહે- મણિપુર હિંસા માટે જવાહરલાલ નેહરુ જવાબદાર છે

સંસદમાં મણિપુર હિંસાને લઇ સતત હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માગી રહ્યા છે. તો મોદી સરકારના મંત્રી અને ભાજપા સાંસદો પણ વિપક્ષને જવાબ આપી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને મણિપુર હિંસા માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. સ્મૃતિ ઈરાની પછી વધુ એક ભાજપા સાંસદે રાહુલ ગાંધીને મણિપુર હિંસાથી જોડીને એક નિવેદન આપ્યું છે. આ ભાજપા સાસંદે મણિપુર હિંસાનો ઠીકડો પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ પર ફોડી દીધો.
નેહરૂને લીધે આવી સ્થિતિ સર્જાઈ- ભાજપા સાંસદ
ભાજપા સાંસદ જગન્નાથ સરકારે કહ્યું કે, મને નથી ખબર કે રાહુલ ગાંધીને રાજકીય ઈતિહાસને લઇ કેટલી જાણકારી છે. તે હંમેશા ખોટી નિવેદનબાજી કરે છે. આ ચર્ચા સંસદમાં થઇ જાય તો કોંગ્રેસ સામે આખું જનમત તૈયાર થઇ જશે. 1960માં મણિપુર માટે જવાહરલાલ નેહરૂ એક કાયદો લઇને આવ્યા. જેને લીધે આ સ્થિતિ સર્જાઇ છે.
ભાજપા સાંસદે કહ્યું, કોંગ્રેસ સંસદમાં ચર્ચા કરવા માગતી નથી. તે માત્ર પ્રધાનમંત્રી મોદી પર સવાલ ઊભા કરવા માગે છે. તેમણે પહેલા ચર્ચા કરવી જોઇએ અને પછી પ્રધાનમંત્રી તેમના સવાલોના જવાબ આપશે.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવેલા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર મણિપુર હિંસાને લઇ મૌન રહેતા ઘણાં સવાલો ઊભા થયા હતા. પણ મણિપુર હિંસામાં મહિલાઓને લઇ વીડિયો સામે આવ્યા પછી કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી હતી. જોકે ત્યાર પછી પણ વિપક્ષ સતત ઈરાની પર સવાલ સાધી રહ્યા હતા. આ બધાની વચ્ચે સંસદમાં સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધીએ એ જણાવવું જોઇએ કે મણિપુરમાં કઈ રીતે તેમણે આગ લગાવી. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ સામે થનારા ગુનાઓનો પણ ઉલ્લેખ કર્યો. ઈરાનીએ કહ્યું કે મહિલા નેતાઓએ રાજસ્થાન, છત્તીસગઢ અને બિહારમાં થનારા ગુનાઓ વિશે પણ બોલવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp