ચોર આખું ATM ઉઠાવીને કારમાં લઇ જતા હતા, રસ્તામા નડ્યો અકસ્માત અને..
સાયબર ફ્રોડ હબ તરીકે દેશભરમાં કુખ્યાત ઝારખંડનું જામતારા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, પરંતુ આ વખતે ચર્ચાનું કારણ સાયબર ફ્રોડ નથી. પરંતુ એક ચોંકાવનારી ઘટનાને કારણે ન્યૂઝમાં આવ્યું છે. તમે ATMમાં ચોરી કે એવા કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ ગુનેગારોનું મનોબળ એટલું મજબુત બન્યું છે કે તેઓ આખે આખું ATM ઉઠાવી ગયા હતા અને કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ, આ ઘટના ગઈકાલે રાત્રે જામતારાના કાલાઝરિયા કરમટાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં બોલેરો વાહનમાં આવેલા ગુનેગારોએ ATM મશીનની જ ચોરી કરી હતી. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. ગુનેગારોએ પહેલા ATM મશીનને તોડી નાખ્યું, પછી તેને બોલેરોમાં ભરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
પોલીસે જણાવ્યું કે SBI બ્રાન્ચની બાજુમાં એક ATM હતું. રાત્રિના સમયે, અજાણ્યા ગુનેગારોએ આ SBI ATMને તોડી નાખ્યું હતું, તેને બોલેરો વાહનમાં લોડ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે તત્પરતા બતાવીને નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉખડી ગયેલું ATM પરત મેળવ્યું છે. આ ઉપરાંત જે બોલેરો વાહનમાં ગુનેગારો ATM ભરીને ભાગી ગયા હતા તે પણ રીકવર કરવામાં આવ્યું છે.
જિલ્લા SP અનિમેષ નાથાણીએ જણાવ્યું હતું કે, ધરપકડની તકનો લાભ લઈને ગુનેગારો નાસી છૂટ્યા હતા. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં પોલીસના હાથે ઝડપાઈ જશે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળેલી માહિતી મુજબ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને જ્યારે ATM ચોરીની ઘટનાની જાણકારી મળી એટલે એલર્ટ થઇ ગઇ હતી. પોલીસે આરોપીઓની કારનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ પુરઝડપે જઇ રહ્યા હતા અને રસ્તામાં તેમની બલેરો કારને અકસ્માત નડ્યો હતો. આરોપીઓને ખબર હતી કે પોલીસ પીછો કરી રહી છે એટલે કારને છોડીને અંધારાનો લાભ લઇને રફચક્કર થઇ ગયા હતા.
મતલબ કે આખેઆખું ATM ઉઠાવીને લાખો રૂપિયા મેળવવાનો આરોપીઓનો મનસુબો પાર નહોતો પડ્યો. અને પોલીસે ATMને રિકવર કરી લેતા બેંકે પણ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ હવે ગુનેગારો બિંદાસ્ત બની ગયા છે એ આ વાતની સાબિતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp