ઘરમાં ઘૂસીને પત્રકારની ગોળી મારીને હત્યા, ઉંઘમાંથી ઉઠાડ્યા

PC: livehindustan.com

બિહારમાં એક દૈનિક અખબારના પત્રકારની તેમના ઘરમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પત્રકારના ઘરમાં ઘુસેલા 4 બદમાશોએ તેમને ઉંઘમાંથી ઉઠાડ્યા હતા અને સીધી ગોળીઓ વરસાવીને યમસદન પહોંચાડી દીધા હતા. પત્રકારની હત્યાની ઘટનાએ બિહારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. બિહારમાં ફરી જંગલરાજ હોવાની વાત સામે આવી છે.

બિહારના અરરિયા જિલ્લાના રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસરામાં રહેતા એક પત્રકારના ઘરે શુક્રવારે સશસ્ત્ર બદમાશો ઘુસ્યા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખોલીને જ્યારે પત્રકાર બહાર આવ્યા તો ગોળીઓ વરસાવીને તેમનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

પત્રકારની હત્યા પછી આખા વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. મોતને ભેટનારા પત્રકારની ઓળખ વિમલ યાદવ તરીકે થઇ છે. વિમલ યાદવ દૈનિક જાગરણ અખબારના રાની ગંજ વિસ્તારના સંવાદદાતા હતા. બે વર્ષ પહેલાં પણ આ પત્રકારના સરપંચ ભાઇની આ જ રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

વિમલ કુમાર યાદવ આ ગુનાહિત ઘટનાના એકમાત્ર અને મુખ્ય સાક્ષી હતા. આ કારણે જ બદમાશોએ તેની હત્યા કરી હોવાની આશંકા છે. પરિવારજનોની વાત માનીએ તો અગાઉ પણ બદમાશોએ પત્રકારને ઘણી વખત જુબાની આપતા રોક્યા હતા. જો કે, તેમ છતાં, તેમણે કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલમાં તેમના ભાઈના હત્યારા વિરુદ્ધ જુબાની આપી હતી.

પત્રકાર વિમલ કુમાર યાદવ પોતાની પાછળ 15 વર્ષનો પુત્ર, 13 વર્ષની પુત્રી અને પત્નીને છોડી ગયા છે. હત્યા દરમિયાન પત્રકાર વિમલે બૂમાબૂમ કરતાં પત્ની દોડી આવી હતી. ત્યાં તેમણે જોયું કે  પતિ લોહીના ખાબોચિયામાં પડેલા હતા.

મૃતક પત્રકારની પત્ની પૂજા દેવીએ ઘટના વિશે જણાવ્યું હતું કે, સવારે કોઈ ઘરનો દરવાજો ખખડાવતું હતું અને તેમનું નામ લઈ રહ્યું હતું. અમે બંને ઉભા થઈને ઘરનો દરવાજો અને ગ્રીલ ખોલવા ગયા. મારા પતિએ મુખ્ય દરવાજો ખોલ્યો અને તે વખતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. થોડીવારમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

પરિવારના સભ્યોએ કહ્યું કે, એક સપ્તાહ પહેલા વિમલે તેના મિત્રોને કહ્યું હતું કે મારા જીવને જોખમ છે, કેટલાંક ગુનેગારો મારો સતત પીછો કરી રહ્યા છે.

વિમલ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને અહીં મોટી સંખ્યામાં ભેગા થયેલા પત્રકારો હત્યારાઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

અરરિયાના SP અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, દૈનિક જાગરણના પત્રકાર વિમલની આજે સવારે સાડા પાંચ વાગ્યે રાણીગંજ બજાર વિસ્તારમાં ચાર લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. FSLની ટીમ ઘટનાસ્થળે છે. આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

પરિવારે કહ્યું હતું કે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમલ કુમારે બંદુકના લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ તેમનું લાયસન્સ મળ્યું નહી અને હવે તેમની હત્યા કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp