જજે આરોપીને જામીન ન આપ્યા તો સુપ્રીમ કોર્ટે જજને આ સજા આપી

PC: hindi.livelaw.in

સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટને સેશન્સ જજ પાસેથી ન્યાયિક જવાબદારીઓ પરત લેવા અને તેમની કુશળતા સુધારવા માટે તેમને ન્યાયિક એકેડેમીમાં મોકલવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી એટલા માટે કરી છે, કારણ કે ન્યાયાધીશ સામાન્ય કેસમાં આરોપીને જામીન આપતા ન હતા. આવા ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટે પણ નરમ વલણ અપનાવ્યું હતું અને આરોપીઓને સરળતાથી જામીન આપી દીધા હતા. સર્વોચ્ચ અદાલતે 21 માર્ચે ચેતવણી આપી હતી કે, જો કોઈ વારંવાર આવા ચુકાદાઓ સંભળાવશે તો તેને ન્યાયિક કાર્યમાંથી દૂર કરીને ન્યાયિક અકાદમીમાં મોકલવામાં આવશે.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચને કહેવામાં આવ્યું હતું કે, જજો નિર્દેશોનું પાલન કરી રહ્યા નથી. એડવોકેટ સિદ્ધાર્થ લુથરા, જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે કોર્ટ સમક્ષ આવા બે કેસ મૂક્યા હતા, જેમાં જામીનના આદેશ આપવામાં આવ્યા ન હતા. એક મામલો લગ્નને લઈને વિવાદનો હતો. આરોપી અને તેની માતાની અરજી પર લખનઉના સેશન્સ જજે તેને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે કે જ્યારે તેની ધરપકડ પણ કરવામાં આવી ન હતી.

બીજા કેસમાં, એક આરોપી કેન્સરથી પીડિત હતો અને ગાઝિયાબાદની CBI કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલાઓ પર નારાજગી વ્યક્ત કરતાં બેન્ચે કહ્યું હતું કે, 'આવા ઘણા આદેશો પસાર કરવામાં આવે છે, જે અમારા આદેશો સાથે સુસંગત નથી.' આક્રોશ વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે, કોર્ટમાં કાયદાના આધારે નિર્ણયો સંભળાવવામાં આવે છે અને તેનું પાલન કરવું જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. 10 મહિના પહેલા નિર્ણય આપ્યા બાદ પણ તેનું પાલન થતું નથી.

ખંડપીઠે કહ્યું, 21 માર્ચે અમારા આદેશ પછી પણ લખનઉ કોર્ટે તેનું ઉલ્લંઘન કર્યું. અમે આ આદેશને અલ્હાબાદ હાઈકોર્ટના ધ્યાન પર પણ લાવ્યા છીએ. હાઈકોર્ટે જરૂરી પગલાં લેવા જોઈએ અને ન્યાયાધીશોની ન્યાયિક કાર્યક્ષમતા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું, લોકશાહીમાં પોલીસ શાસનની જરૂર નથી, જ્યાં લોકોની બિનજરૂરી ધરપકડ કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં કસ્ટડીની જરૂર નથી, ત્યાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ધરપકડ કરવાની જરૂર નથી. જો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હોય અને તે તપાસમાં સહકાર આપી રહ્યો હોય, તો તેને ચાર્જશીટ દાખલ કર્યા પછી જ કસ્ટડીમાં લેવા જોઈએ. જુલાઈમાં કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે, બંધારણની ગરિમા જાળવી રાખવાની જવાબદારી ટ્રાયલ કોર્ટની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp