મેઘાલયમાં કોની સરકાર બનશે, CMએ અમિત શાહને ફોન કરીને આ માગ કરી

PC: hindustantimes.com

પૂર્વોતરના 3 રાજ્યોની વિધાનસભા 2023ની ચૂંટણીમાં ભાજપે બે રાજ્યો પર કબ્જો જમાવી લીધો છે જયારે ત્રીજા એક રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાના સંજોગો ઉભા થયા છે, કારણ કે આ રાજ્યમાં એક પણ પાર્ટીને બહુમત મળી શક્યો નથી. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ સરકાર બનાવશે જયારે મેઘાલયમાં ત્રિશંકુ સ્થિતિ ઉભી થવાને કારણે મુખ્યમંત્રી કોનરાડ સંગમાંએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફોન કરીને મેઘાલયમાં ગઠબંધનમાં  સરકાર બનાવવા સમર્થન માંગ્યું છે. મેઘાલયમાં અપક્ષોએ બધી પાર્ટીના ખેલ બગાડી નાંખ્યા છે. ભાજપના દિલ્હી હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે અને થોડીવારમાં PM મોદી પણ હેડક્વાર્ટર પહોંચવાના છે. 

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ત્રિપુરા-નાગાલેન્ડમાં BJP ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. બંને રાજ્યોમાં બહુમતી હાંસલ કરવામાં આવી છે. મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા છે જેમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી.

મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાને કારણે CM સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. સરકાર બનાવવા માટે તેમની તરફથી સમર્થન માંગવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની જીત પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે ત્રિપુરાનો હૃદયપૂર્વક આભાર. આ સ્થિરતા અને વિકાસ માટેનો મત છે. ભાજપ ત્રિપુરામાં વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે. મને તમામ કાર્યકરો પર ગર્વ છે.

પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા 2023ની ચૂંટણીનું મતદાન થયું હતું, જેના પરિણામાં 2 માર્ચ, ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરૂ થયા હતા. ત્રિપુરામાં વિધાનસભા 2023ની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું જ્યારે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન કરવામાં આવ્યું હતું. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ત્રણેય રાજ્યોમાં  દરેક રાજ્યની વિધાનસભા સીટ 60 છે. મતલબ કે દરેક પાર્ટી રાજ્યોની 60-60 બેઠકો અંકે કરવા માટે ચૂંટણી લડી  હતી.

ત્રિપુરામાં કારમી હાર બાદ CPIMના નેતા એમવી ગોવિંદને કહ્યું છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન સાચો નિર્ણય હતો. કોંગ્રેસ એકલા હાથે ભાજપ સામે લડી શકે તેમ નહોતી. છેલ્લી વિધાનસભામાં પણ કોંગ્રેસનો વોટ શેર ઓછો હતો, પરંતુ આ ડીલ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ભાજપ સામે મોરચો તૈયાર કરવામાં આવે.

પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ પાતળી છે. ત્રિપુરા, નાગાલેન્ડ કે મેઘાલયમાં કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. પૂર્વોત્તર રાજ્યોના પરિણામ પછી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દર વખતે કોંગ્રેસ એવો આરોપ લગાવતી રહી છે કે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં હોવાને કારણે કોંગ્રેસને નુકશાન થાય છે, પરંતુ પૂર્વોતરની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તો હાજરી જ નહોતી, છતા કોંગ્રેસ હારી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp