પૂર્વ CM કમલનાથના મતે 2024માં વિપક્ષ તરફથી આ નેતા હશે PMનો ચહેરો

PC: theweek.in

લોકસભાની ચૂંટણી આમ તો વર્ષ 2024માં થવાની છે, પરંતુ ગરમાવો અત્યારથી જ દેખાવા લાગ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર લીડર કમલનાથે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો હશે. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કમલનાથે ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીના ખૂલીને વખાણ કર્યા અને કહ્યું કે, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનો સવાલ છે. રાહુલ ગાંધી ન માત્ર વિપક્ષનો ચહેરો હશે, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે. કમલનાથે આગળ કહ્યું કે, દુનિયાના ઇતિહાસમાં કોઇએ પણ આટલી લાંબી પદયાત્રા કરી નથી. ગાંધી પરિવાર સિવાય કોઇ અન્ય પરિવારે દેશ માટે એટલી કુરબાનીઓ આપી નથી. રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ કરતા નથી, પરંતુ દેશની જનતા માટે કરે છે, જે કોઇને પણ સત્તામાં બેસાડે છે.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ એકમાત્ર એવા નેતા છે, જેઓ વર્ષ 2024ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની ઉમેદવારીના પક્ષમાં આગળ આવ્યા છે. તો કમલનાથને પૂછવામાં આવ્યું કે, શું ભવિષ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટીમાં વાપસીની કોઇ સંભાવના છે? તેના પર તેમણે કહ્યું કે, સંગઠન સાથે છળ કર્યા બાદ પાર્ટીમાં ગદ્દારો માટે કોઇ જગ્યા નથી. હું કોઇ વ્યક્તિ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ જે ગદ્દારોએ પાર્ટી સાથે છળ કર્યું છે અને તેમના કાર્યકર્તાઓનો વિશ્વાસ તોડ્યો છે, તેમના માટે સંગઠનમાં કોઇ જગ્યા નથી.

તેમણે આગળ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ જલદી જ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવશે. ભાજપ કોઇ પણ મુખ્યમંત્રી બદલી શકે છે, પરંતુ તેનાથી કોઇ ફેર નહીં પડે, કેમ કે લોકોએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ચૂંટવાનું મન બનાવી લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં સાંગઠનિક બદલાવની પહેલ કરવામાં આવશે. મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે અંતમાં ચૂંટણી થવાની છે. એવામાં કોંગ્રેસ સત્તામાં વાપસી માટે પૂરી તૈયારીઓ કરી રહી છે.

વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમત હાંસલ કર્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, 15 મહિના બાદ રાજકીય ઉથલ-પાથલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત તેમના સમર્થક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જેના કારણે કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઇ અને કમલનાથને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરીથી મુખ્યમંત્રી બન્યા. જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રમાં નાગરિક અને ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp