
CMનાગાલેન્ડના રાજકરાણના બેતાજ બાદશાહ ગણાતા નેફિયુ રિયો પાંચમી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા છે. મંગળવારે તેમણે 9 મંત્રીઓ સાથે શપથ લીધા અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત સાહ, જે.પી નડ્ડા, આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા.
Nationalist Democratic Progressive Party (NDPP)ના પ્રમુખ અને નાગાલેન્ડના રાજકારણના ધૂંરંધર નેતા નેફિયુ રિયોએ મંગળવારે પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે નેફિયુ રિયો કોણ છે તે વિશે જાણો.
નાગાલેન્ડની રાજનીતિમાં ગમે તે પક્ષ સત્તા પર આવે, પરંતુ મુખ્ય પ્રધાનનો તાજ નેફિયુ રિયોના માથા પર જ મુકવામાં આવે છે. લગભગ સાડા ત્રણ દાયકા પહેલા કોંગ્રેસ સાથે રાજકીય ઇનિંગ શરૂ કરનાર નેફિયુ રિયોને રાજ્યની રાજનીતિના જાદુગર કહેવામાં આવે છે, જેમણે નાગાલેન્ડમાં વિપક્ષનો સફાયો કર્યો છે. રિયો લગભગ તમામ પક્ષોમાં રહી ચૂક્યા છે અને BJP સાથે બીજી વખત નાગાલેન્ડમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે.
રિયોનો જન્મ 11 નવેમ્બર 1950ના રોજ થયો હતો. તે કોહિમા જિલ્લાના તુફેમા ગામના સ્વર્ગસ્થ ગુલહોલ્લી રિયોના પુત્ર છે અને અંગામી નાગા જાતિના છે. તેમણે કોહિમાની બેપ્ટિસ્ટ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ પછી, તેમણે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાની સૈનિક સ્કૂલ, દાર્જિલિંગની સેન્ટ જોસેફ કૉલેજ અને કોહિમા આર્ટસ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. નેફિયુ રિયોએ તેમના વિદ્યાર્થી જીવનમાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે નાની ઉંમરમાં તેઓ રાજકારણની પીચ પર ઉતરી ગયા હતા અને સમયની સાથે રાજકારણની સીડી ચઢતા ગયા હતા.
નેફિયુ રિયોએ 1974માં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની યુવા પાંખના પ્રમુખ તરીકે રાજકીય ઇનિંગ ચાલુ કરી અને 1984માં નોધર્ન અંગામી એરિયા કાઉન્સિલના અધ્યક્ષ બન્યા. આ પછી નેફિયુ રિયો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. નાગાલેન્ડની ચૂંટણીમાં પ્રથમ વખત, નેફિયુ રિયોએ 1989માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર અંગામી સેકન્ડ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું અને જીતીને ધારાસભ્ય બન્યા અને રમતગમત અને શિક્ષણ મંત્રી બન્યા. નેફિયુ રિયો 1993માં બીજી વખત ધારાસભ્ય બન્યા અને 1998માં ત્રીજી વખત રિયો ગૃહમંત્રી બન્યા. નાગાલેન્ડના તત્કાલિન મુખ્યમંત્રી એસસી જમીર સાથે મતભેદોને કારણે, નેફિયુ રિયોએ સપ્ટેમ્બર 2002માં વિધાનસભા સભ્યપદ અને મંત્રી પદ પરથી રાજીનામું આપવાની સાથે કોંગ્રેસ છોડી દીધી હતી.
નેફિયુ રિયોએ નાગાલેન્ડમાં કોંગ્રેસને સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો. કોંગ્રેસને અલવિદા કહ્યા પછી, નેફિયુએ ઓક્ટોબર 2002માં નાગાલેન્ડ પીપલ્સ કાઉન્સિલ નામની પાર્ટીની રચના કરી, જેનું નામ પછીથી NPF રાખવામાં આવ્યું. આ નેફિયુ રિયોનો કરિશ્મા હતો કે 2003માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નાગાલેન્ડમાં સત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી, ત્યારબાદ પાર્ટી ફરી સત્તામાં આવી શકી નહોતી. અગાઉ કોંગ્રેસ અહીં સતત દસ વર્ષ સુધી સત્તામાં હતી.
2003માં કોંગ્રેસને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ નેફિયુ રિયો પ્રથમ વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી અને ચૂંટણી દ્વારા તેમનું રાજકીય કદ વધ્યું, જેનો ફાયદો તેમની પાર્ટીને પણ થયો. આ રીતે NPF એ 2008, 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. ચારેય ચૂંટણીઓમાં નાગાલેન્ડમાં NPFનો વોટ શેર સતત વધ્યો. NPF નું BJP સાથે ગઠબંદન તુટ્યા પછી નેફિયુ રીયોએ જાન્યુઆરી 2018માં NDPPની રચના કરી હતી.
રિયોએ બળવાખોરો સાથે મળીને નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)નો પાયો નાખ્યો હતો. આ પછી, 2018 માં, તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવામાં સફળ થયા. 2023માં એનડીપીપી અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી અને વિપક્ષનો સફાયો કર્યો હતો અને હવે નેફિયુ રિયો પાંચમી વખત મુખ્યમંત્રી બની ગયા છે.
નેફિયુ રિયો ભલે બે દાયકાથી નાગાલેન્ડની રાજનીતિ પર સંપૂર્ણ રીતે કબજો કરી શક્યા છે, પરંતુ રાજ્યમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. 30 મે, 1995 ના રોજ નાગાલેન્ડના દીમાપુર ખાતે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કેટલાક સશસ્ત્ર માણસોએ તેમની મોટરકાર પર હુમલો કર્યો ત્યારે તેઓ જીવલેણ હુમલામાંથી બચી ગયા હતા. નિફિયુ રિયો તે સમયે નાગાલેન્ડના પીડબલ્યુડી મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. આ હુમલામાં તેમનો ડ્રાઈવર માર્યો ગયો હતો અને તેના ઘણા સશસ્ત્ર અંગરક્ષકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, નાગાલેન્ડના આદિવાસી સમુદાયમાં તેમની ઊંડી પકડ છે.આ કારણે નેફિયુ રિયોને નાગાલેન્ડની રાજનીતિનો જાદુગર કહેવામાં આવે છે, જેની આગળ ન તો કોંગ્રેસ છે અને ન તો ભાજપ. નાગાલેન્ડમાં રાજનીતિની કમાન નેફિયુ રિયોના હાથમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp