ચીનમાં છેલ્લા ભારતીય પત્રકારને દેશ છોડવા આદેશ, શી જિનપિંગ મીડિયાથી ડરી ગયા કે...

ચીનમાં છેલ્લા ભારતીય પત્રકારને દેશ છોડવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચીની સત્તાવાળાઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI)ના એક રિપોર્ટરને આ મહિને જ દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં ચીને ભારત પર ચીનના પત્રકારો સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. બેઇજિંગ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે આના જવાબમાં જ આ પગલું ભર્યું છે. હવે આ ભારતીય રિપોર્ટરની વિદાયથી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતના મીડિયાની હાજરી ખતમ થઈ જશે. બેઇજિંગના આ નિર્ણયને એશિયાની આર્થિક મહાસત્તાઓ વચ્ચે ઊંડી તિરાડ તરીકે જોવામાં આવી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતના ચાર પત્રકાર ચીનમાં હાજર હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટર ગયા અઠવાડિયે જ બેઈજિંગથી નીકળી ગયા છે. જ્યારે, પ્રસાર ભારતી અને ધ હિન્દુ અખબારના બે પત્રકારોના વિઝા એપ્રિલમાં જ રિન્યુ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ મામલે ચીનના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગયા મહિને, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, ભારતમાં માત્ર એક ચીની પત્રકાર બચ્યો છે, જે હજી પણ તેના વિઝાના નવીકરણની રાહ જોઈ રહ્યો છે. અગાઉ, નવી દિલ્હીએ ન્યૂઝ એજન્સી સિન્હુઆ અને ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના બે પત્રકારોની વિઝા નવીકરણની અરજીઓ ફગાવી દીધી હતી.
આ મહિનાની શરૂઆતમાં ભારતે આશા વ્યક્ત કરી હતી કે ચીનના અધિકારીઓ ભારતીય પત્રકારોની હાજરી સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, 'ચીની પત્રકારો સહિત તમામ વિદેશી પત્રકારો ભારતમાં રિપોર્ટિંગ અથવા મીડિયા કવરેજમાં કોઈપણ મુશ્કેલી વિના કામ કરી રહ્યા છે.' તેમણે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે ચીનના અધિકારીઓ ચીનથી રિપોર્ટિંગ કરતા અને ત્યાં કામ કરતા ભારતીય પત્રકારોની સતત હાજરી સુનિશ્ચિત કરશે. આ મુદ્દે બંને પક્ષો સંપર્કમાં છે.' તેમણે કહ્યું કે, 'ચીનમાં ભારતીય પત્રકારો કેટલીક મુશ્કેલીઓ સાથે કામ કરી રહ્યા છે. જેમ કે તેમને સ્થાનિક લોકોને સંવાદદાતા અથવા પત્રકાર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી નથી.'
અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, 'જેમ કે તમે જાણો છો, વિદેશી મીડિયા ભારતમાં તેમના બ્યુરોમાં કામ કરવા માટે સ્થાનિક પત્રકારોને મુક્તપણે નિયુક્ત કરી શકે છે અને કરી રહી છે. જ્યારે, સ્થાનિક પત્રકારોને પણ સ્થાનિક સ્તરે મુસાફરી કરતી વખતે ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.' પ્રવક્તાએ કહ્યું કે, ભારત વિદેશી પત્રકારોનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, 'ભારતીય પક્ષ ભારતમાં વિદેશી પત્રકારોને સમર્થન અને સુવિધા આપે છે. હું માનું છું કે તમે આના પર સાબિતી આપી શકો છો. ઉપરાંત, સામાન્ય પત્રકારત્વ પ્રેક્ટિસ અથવા પ્રવૃત્તિઓ અથવા પત્રકાર વિઝા સંબંધિત જોગવાઈઓમાંથી કોઈ વિચલન ન હોવું જોઈએ.'
આ મામલાની જાણકારી ધરાવતા ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિઝાને લઈને વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ભારતીય પત્રકારોએ ચીનમાં રિપોર્ટિંગ કરવામાં મદદ કરવા માટે મદદનીશોની ભરતી કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે બેઇજિંગ દ્વારા એક સમયે માત્ર ત્રણ જ લોકોને નોકરી પર રાખવાની મંજૂરી છે. સાથે જ તેમને ચીની અધિકારીઓની દેખરેખમાંથી પસાર થવું પણ જરૂરી હતું. ભારતીય અધિકારીએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. બીજી બાજુ, ભારતમાં ભરતી અંગે આવા કોઈ પ્રતિબંધ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020માં ગાલવાન અથડામણની ઘટના પછીથી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp