તિરુપતિ મંદિર જતી 6 વર્ષની બાળકીને દિપડો જંગલમાં ઘસડી ગયો, અડધું શરીર ફાડી ખાધું

PC: thesouthfirst.com

પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા માટે પોતાની મસ્તીમાં પગથિયા ચઢી રહેલી એક 6 વર્ષની બાળકીને દિપડાએ પળવારમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી. છેલ્લાં 1 મહિનામાં આ બીજી ઘટનાને કારણે શ્રધ્ધાળુઓમાં ગભરાટનો માહોલ છે.

આંધ્રપ્રદેશના તિરુપતિમાંથી હૈયુ હચમચાવનારી ઘટના સામે આવી છે. તિરુપતિમાં એક ખૂબ જ પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા જઈ રહેલી 6 વર્ષની બાળકી પર દિપડાએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.. દીપડાએ બાળકીના શરીરનો અડધો ભાગ ખાઈ લીધો હતો. મળતી માહિતી મુજબ, બાળકી મંદિર પહોંચવા માટે પગપાળા દાદર ચડી રહી હતી તે વખતે જ અચાનક દિપડો આવી ચઢ્યો હતો અને બાળકીને ઘસડીને જંગલમાં પલાયન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા શ્રધ્ધાળુઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

તિરુમાલા ખાતે ભગવાનના દર્શન કરવા માટે ગયા શુક્રવારે રાત્રે લગભગ 8 વાગ્યે અલીપીરી ફૂટપાથ પરથી ઘણા ભક્તો સાથે એક પરિવારે પણ પર્વત પર ચઢવાનું શરૂ કર્યું હતું. થોડો સમય ચડ્યા બાદ રાત્રે 11 વાગ્યાના સુમારે એક દિપડાએ અચાનક 6 વર્ષની લક્ષિતા પર હુમલો કર્યો હતો. હુમલો થતાં જ આસપાસના લોકોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. દિપડો બાળકીને ઘસડીને જંગલની અંદર લઈ ગયો અને તેનું અડધું શરીર ખાઈ ગયો. આ ઘટનાથી લોકો ખુબ જ ડરી ગયા છે.

પોલીસે કહ્યું હતું કે ઘટનાની જાણ થતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પંરંતુ અંધારું હોવાને કારણે સફળતા મળી નહોતી. એ પછી મંદિરના અન્ય મુલાકાતીઓએ શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ નરસિમ્હા સ્વામી મંદિર પાસે લક્ષિતાનો મૃતદેહ જોયો હતો. તેણીના  શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા.

પોલીસે જણાવ્યું હતું કે જ્યાંથી છોકરી ગુમ થઈ હતી ત્યાં સીસીટીવી સર્વેલન્સ કેમેરા નથી.  બાળકી તેના પરિવારની આગળ ચાલી રહી હતી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. બાળકી લક્ષિતા કોવુરુ મંડળના પોથીરેદ્દીપાલેમ ગામની રહેવાસી હતી.બાળકીના પરિવારજનોએ કલ્પાંત મચાવી મુક્યો હતો

લક્ષિતાના પરિવારજનો

જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં દિપડાનો આ બીજો હુમલો છે. છેલ્લા હુમલા સમયે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD) પ્રશાસને ઘણી જગ્યાએ સુરક્ષા જવાનો રાખવાની વાત કરી હતી, પરંતુ વહીવટીતંત્ર કોઈ સાવચેતી રાખતું હોય તેવું લાગતું નથી. જ્યારે ભક્તો દરરોજ ભગવાનને કરોડોનો પ્રસાદ ચઢાવે છે. જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા હવે પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp