પરિવાર સાથે સેલ્ફી લઈ કરી લીધી સામુહિક આત્મહત્યા, સ્યૂસાઇડ નોટ વાંચી કંપી જશો

PC: mptak.in

આઠ વર્ષનો દીકરો, ત્રણ વર્ષની દીકરી અને પતિ-પત્ની. નાનકડો ખુશહાલ પરિવાર. પરંતુ, એક નાનકડી ભૂલ આ પરિવાર પર એટલી ભારે પડી કે સામુહિક આત્મહત્યા કરવી પડી. બાળકોને ઝેર આપ્યું અને પતિ-પત્નીએ ફાંસો લગાવી લીધો. ભોપાલનો આ પરિવાર માર્કેટમાં ફેલાયેલી લોન એપની જંજાળમાં ફસાઈ ગયો હતો. ઘરના મુખિયાએ આ મુશ્કેલીમાંથી નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ, જ્યારે બહાર નીકળવાનો કોઈ રસ્તો ના દેખાયો તો જિંદગીને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. મરતા પહેલા આ પરિવારે 4 પાનાની એક સુસાઇડ નોટ છોડી છે, જેને વાંચીને તમે સમજી જશો કે લોન એપના ચુંગલમાં ફસાવુ કેટલું દર્દનાક અને જીવલેણ બની શકે છે.

સમજાઈ નથી રહ્યું શું કરીએ. ખબર નહીં અમારા આટલા પ્રેમાળ પરિવારને કોની નજર લાગી ગઈ. પોતાના પરિવારના લોકો પાસે હાથ જોડીને માફી માંગવા માંગુ છું. એક ભૂલના કારણે અમારી સાથે સંકળાયેલા તમામ લોકો ખૂબ જ હેરાન થયા. ખુશી-ખુશી અમે પોતાના પરિવારની સાથે જીવી રહ્યા હતા. કોઈ મુશ્કેલી અથવા કોઈ વાતની ચિંતા નહોતી. પરંતુ, એપ્રિલમાં મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. તેમા ઓનલાઇન કામ કરવાની ઓફર હતી. આ મેસેજ ફરી ટેલીગ્રામ પર આવ્યો. થોડા પૈસા અને પોતાની જરૂરિયાતોને પગલે હું તેના માટે તૈયાર થઈ ગયો. વધુ સમય પણ આપવાનો નહોતો, આથી કામ શરૂ કરી દીધુ.

શરૂઆતમાં થોડો ફાયદો થયો પરંતુ, ધીમે-ધીમે દલદલમાં ફસાતો ચાલ્યો ગયો. જ્યારે પણ થોડો સમય મળતો, હું તે કામ કરવા લાગતો. આગળ જતા લોડ એટલો વધી ગયો કે પોતાના કામની સાથે આ કામમાં લગાવેલા પૈસાનો હિસાબ ના રાખી શક્યો. આ પૈસાનો ઉપયોગ ઘર પર જરા પણ ના કરી શક્યો. કામનો લોડ એટલો વધી ગયો. મને મેસેજ આવવા માંડ્યા કે ઓર્ડર પૂરા કરો અને પોતાનું કમિશન કાઢી લો. પરંતુ, આ એક દલદલ હતું, જ્યાંથી નીકળવુ મુશ્કેલ હતું. જ્યારે બધા પૈસા પૂરા થઈ ગયા તો કંપનીવાળાએ લોન ઓફર કરી. ચાર વર્ષ પહેલા જે કંપનીમાં હતો, તે બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ મારો ક્રેડિટ સિબિલ ખરાબ થઈ ગયો હતો. આથી મેં ના પાડી કારણ કે, મારો સિબિલ પહેલાથી જ ખરાબ હતો. લોકો ક્યાંથી મળતો પરંતુ, કંપનીવાળાઓના કહેવા પર મેં પ્રયત્ન કર્યો અને લોન મળતી ગઈ. એ પૈસા પણ હું કંપનીમાં લગાવતો ગયો.

કામ શરૂ કરતા પહેલા મેં ઇ-કોમર્સ કંપનીની વેબસાઇટ ચેક કરી હતી. કંપની TRP માટે કામ કરાવતી હતી, જે કોવિડ બાદ 2022માં કોલંબિયાથી શરૂ થઈ હતી. આ બધુ જોયા બાદ મેં કામ શરૂ કર્યું પરંતુ, ખબર નહોતી કે એવા વળાંક પર આવી જઇશ કે જ્યાંથી કોઈ રસ્તો જ નહીં બચશે. આ કામની જાણકારી મારી પત્ની અથવા પરિવારના કોઈપણ સભ્યને નહોતી. પત્ની જ્યારે પણ મને જોતી તો કેહતી કે કંઇ ખોટું ના કરતા. અને હું જવાબ આપી દેતો કે બધુ તારી ખુશી માટે જ કરી રહ્યો છું. પરંતુ, મને સમજાઈ નથી રહ્યું કે મેં શું કરી નાંખ્યુ.

ઓનલાઇન જોબનો શિકાર થયા બાદ મને લાગ્યું થોડાં દિવસ બાદ પૈસા મળતા જ બધી લોન ક્લિયર કરીને બધુ છોડી દઇશ પરંતુ, હું સમજી ના શક્યો કે આટલુ બધુ થઈ જશે. ઓનલાઇન જોબવાળાઓએ મને લોનનો એટલો દેવાદાર બનાવી બનાવી દીધો કે હું પોતે પણ ચકિત થઈ ગયો. હું સમજી ગયો કે મારી સાથે ફ્રોડ થયુ છે. વાતવાતમાં મારા પર પૈસાનું દબાણ બનાવવા માંડ્યા. આ પૈસા મેં મારા માટે નહોતા લીધા, હું તો તેનો ઉપયોગ પણ ના કરી શક્યો. કંપનીએ લોન ઓફર કરી અને પૈસા લઇને મેં પાછા કંપનીમાં જ લગાવી દીધા.

જૂનમાં લોનનું દેવુ એટલું વધુ થતુ ગયુ કે રિકવરીવાળાઓએ ધમકાવવાનું શરૂ કરી દીધુ. કોઇકરીતે મેં વ્યવસ્થા કરીને EMI ભરી દીધુ પરંતુ, જુલાઈમાં લોનવાળોએ મારો ફોન હેક કરી લીધો. તેમાંથી ડીટેલ કાઢીને સગા-સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધુ. લોન કંપની ધમકી આપવા માંડી કે તારી અશ્લીલ ફોટો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશું, બદનામ કરી દઇશું. ત્યાં સુધી કે મારા બોસના ડીપી (ફોટા)નો ખોટો ઉપયોગ કર્યો. જેને કારણે મને ખૂબ જ ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે. મારી એક ભૂલની સજા તમામ ઓળખીતાઓને મળી રહી છે. તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે.

હું સાઇબર ક્રાઇમ ઓફિસ ગયો પરંતુ, ત્યાં અધિકારી ના હોવા અને રજા હોવાના કારણે મામલો ટળી ગયો. ફરી ગયો. અરજી બનાવવા માટે વકીલને મળ્યો. તેમણે ડ્રાફ્ટિંગ માટે સમય માંગ્યો. પરંતુ, હું ના કોઈની સાથે વાત કરી શકું છું ના કોઈની સાથે નજર મિલાવી શકુ છું. કોઇ નથી સમજી શકતું કે આજે હું મારી જ નજરમાં નીચે પડી ચુક્યો છું. નોકરી જવાની પરિસ્થિતિ આ ગઈ છે. પોતાનું અને પરિવારનું ભવિષ્ય નથી દેખાઈ રહ્યું. કોઇને મોઢું બતાવવા લાયક નથી રહ્યો. પરિવાર સાથે કઇ રીતે નજર મેળવીશ. મારા પપ્પા, મમ્મી, ભાઈ-ભાભી, પ્યારી બહેનો, પ્યારી દીકરી બધાને એ જ કહેવા માંગુ છું કે બધા સાથે કઇ રીતે નજર મેળવીશ. સૌથી વધુ એ વાતનો ડર છે કે ભવિષ્યમાં મારી દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે.

એટલે પરિવાર એટલે કે પત્ની અને બાળકો રિશૂ અને કિશૂને તકલીફમાં નથી છોડી શકતો આથી, પોતાની સાથે તમામને લઇને જઈ રહ્યો છું. સૌની માફી માંગુ છું. મારા પરિવારને માફ કરી દો. હું મજબૂર છું. કદાચ અમારા ગયા બાદ બધુ સારું થઈ જશે. નિવેદન છે કે અમારા ગયા બાદ પરિવારજનોને લોન માટે હેરાન કરવામાં ના આવે. ના કોઈ સંબંધી કે સાથી કર્મચારીને હેરાન કરવામાં આવે. હું મારા મમ્મી-પપ્પા, ત્રણેય બહેનો, મોટા ભાઈ, અન્તુ દી, બંને સાળા સૌની માફી માંગુ છું. અમને માફ કરી દો. આપણો સાથ અહીં સુધી જ હતો. અમારી અંતિમ ઇચ્છા એ છે કે, અમારું પોસ્ટમોર્ટમ ના કરવામાં આવે અને તમામના અંતિમ સંસ્કાર સાથે જ કરવામાં આવે. જેથી અમે ચારેય સાથે રહીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp