લોકસભા ચૂંટણી: આ રાજ્યમાં કોંગ્રેસનો 60 ટકા સીટો પર જાદુ ચાલશે: સરવે

PC: livemint.com

લોકસભા ચૂંટણી 2024ને લઇને તાજેતરમાં એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેના પરિણામ જોતા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ માટે એક મોટી ખુશખબર લઇને આવ્યો છે. સર્વેમાં જણાવ્યા મુજબ જો લોકસભાની ચૂંટણી આજની તારીખે કરવામાં આવે તો કર્ણાટકમાં UPAને બંપર સીટો મળી શકે. આ સર્વે લોકસભા ચૂંટણી માટે છે વિધાનસભાની ચૂંટણી માટે નથી.

C વોટર અને ઇન્ડિયા ટુડેના ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં લોકસભા ચૂંટણીને લઇને દેશની પ્રજાનો મિજાજ જાણવાની કોશિશ કરવામાં આવી છે. સર્વેમાં જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની લોકસભા સીટોમાંથી લગભગ 60 ટકા જેટલી સીટો UPAના ખાતામાં જશે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ કરીએ તો UPAની સીટો 8 ગણી વધતી દેખાઇ રહી છે.

સર્વેમાં લોકોને લોકસભા ચૂંટણી વિશે સવાલ પુછવામાં આવ્યા હતા. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાની હેઠળની UPAના ખાતામાં 17 સીટો મળતી દેખાઇ રહી છે. વર્ષ 2019માં કર્ણાટકમાં UPAને માત્ર 2 સીટો જ મળી હતી. જેમાંથી એક કોંગ્રેસની હતી અને 1 JDSને મળી હતી. ભાજપે વર્ષ 2019માં 25 સીટો પર જીત મેળવી હતી. એક સીટ અપક્ષને મળી હતી. સર્વેમાં જણાવ્યા મુજબ કર્ણાટકમાં ભાજપના શાસનનના 4 વર્ષ પછી હવે લોકોનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UPA લોકસભા માટે રાજ્યમાં પહેલી પસંદ બની છે. કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટ છે.

ખાસ વાત એ છે કે છેલ્લાં બે સર્વેમાં UPA સીટ લગાતાર વધતી જોવા મળી રહી છે. Cવોટરે ઓગસ્ટ 2022માં પણ આવો જ એક સર્વે કર્યો હતો. જેમાં  UPAને 28માંથી 13 સીટો મળતી બતાવવામાં આવી હતી. 6 મહિના પછી ફરી કરાયેલા સર્વેમાં UPAને 4 સીટનો વધારો જોવા મળ્યો છે.

સર્વેમાં કર્ણાટકને લઇને આવેલા પરિણામથી કોંગ્રેસ માટે મોટી ખુશખબર છે. ખાસ કરીને આગામી મહિનામાં કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણી  થવાની છે અને રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ પુરુ જોર લગાવી રહી છે. આ સર્વે લોકસભાની ચૂંટણીને લઇને કરવામાં આવ્યો છે, વિધાનસભાની ચૂંટણી માટે નથી. સર્વેના પરિણામ તો ચૂંટણી પછી જ ખબર પડશે, પરંતુ ખાડે ગયેલી કોંગ્રેસમાં આ સર્વે પ્રાણ પુરવાનું કામ કરશે એ વાત ચોકક્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp