‘લવ જિહાદીઓ’ અહીંથી ચાલી જાઓ, ઉત્તરાખંડમાં મુસલમાનોની દુકાનો પર પોસ્ટર લાગ્યા

PC: indiatv.in

દેવભૂમિ ઉત્તરાખંડમાં લવજિહાદના એક મામલે ભારે હંગામો મચેલો છે અને મુસલમાનોની દુકાનો પર પોસ્ટર લગાવીને કહેવામાં આવ્યું છે કે ‘લવ જિહાદીઓ’ અહીંથી ચાલી જાઓ.ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના પુરોલા વિસ્તારમાં આ દિવસોમાં હંગામો મચેલો છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, લઘુમતી સમુદાયના એક વ્યક્તિ સહિત બે લોકોએ એક સગીર છોકરીનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

હવે આ વિસ્તારમાં મુસ્લિમોની દુકાનો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે, જેમાં તેમને તાત્કાલિક આ વિસ્તાર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. પુરોલા સ્ટેશન પ્રભારી ખજાન સિંહ ચૌહાણે જણાવ્યું કે આ પોસ્ટરો રવિવારે સાંજે દુકાનો પર ચોંટાડવામાં આવ્યા હતા, જેમાં દુકાનદારોને જલદી પુરોલા છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જાણવા મળેલી માહિતી મુજબ, લોકોનો આક્રોશ પારખીને લગભગ 42 જેટલા દુકાનદારો શટર પાડીને ભાગી છુટ્યા હતા.

પોલીસેપરિસ્થિતિને ગંભીરતાથી લઇને પુરોલાના જવાબદાર લોકોને મળ્યા અને તેમને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી. ચૌહાણે કહ્યું કે 'દેવ ભૂમિ રક્ષા અભિયાન'ના અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે કથિત રૂપે પોસ્ટર લગાવ્યા હતા, તે વિસ્તારની શાંતિને ખલેલ પહોંચાડવા,ષડયંત્ર રચવા અને ચોક્કસ સમુદાયની લાગણીઓને ભડકાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોસ્ટરો ચોંટાડવાના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને દેવભૂમિ રક્ષા અભિયાન સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પહેલા મુસ્લિમોના એક જૂથે પુરોલાના SDM દેવાનંદ શર્મા અને SHO ચૌહાણને મળ્યા હતા અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે મુસ્લિમ પરિવારો છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો સાથે શાંતિથી રહે છે અને ધંધો કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિના લોકો બહારથી આવીને વ્યવસાય કરવાના નામે સામાજિક વાતાવરણ બગાડી રહ્યા છે.ગુનેગાર તત્વો સામે કાર્યવાહી કરવાની વેપારી મંડળની માંગને મુસ્લિમ જૂથે ટેકો આપ્યો હતો.

પુરોલામાં અલ્પસંખ્યક સમુદાયના એક યુવક પર આરોપ છે કે તેણે પોતાના મામાના ઘરે આવેલી એક સગીર છોકરીને ફોસલાવીને તેણીનું અપહરણ કર્યું હતું. રિપોર્ટસમાં જણાવ્યા મુજબ, બે યુવકો ખરસાડી ક્ષેત્રની 9મા ધોરણમાં ભણતી સગીર છોકરીને ભગાવીને લઇ જતા હતા. બંને યુવકો સગીરાને લગ્નની લાલચ આપીને વિકાસ નગર તરફ લઇને જતા હતા. તે વખતે સગીરાના પરિવારજનો અને સ્થાનિક લોકોએ તૈમને જોઇ લીધા હતા અને પકડીને પોલીસને સોંપી દીધા હતા. એ પછી પુરોલામાં લવજિહાદને લઇને ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp