કરિયાણાની દુકાનથી ઝેરી ગેસ લીક થતા 11 લોકોના મોત, 1 કિલોમીટરનો વિસ્તાર સીલ કરાયો

PC: twitter.com

પંજાબના લુધિયાણામાં કરિયાણાની દુકાનમાંથી ઝેરી ગેસ લીક થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને જવા દેતી નથી. રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી પોલીસ ધાબાઓ પર તપાસ કરી રહી છે કે કોઈ પણ ઘરના ધાબાઓ પર ગેસની અસરથી કોઈ માણસને નુકસાન તો નથી થયુંને.

આ અકસ્માત લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે નજીકની ફેક્ટરીમાંથી ગેસ લીક થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. મોટાભાગના લોકો ભાગીને ફેક્ટરીથી દૂર સુધી પહોંચી ગયા છે.

લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ કહ્યું કે, આ માત્ર ગેસ લીક થવાની જ વાત છે. NDRFની ટીમ અહીં પહોંચી ગઈ છે. લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે. ગેસ કઈ છે, તે પણ નિષ્ણાતોની ટીમ દ્વારા જ જાહેર કરવામાં આવશે.

મૃતકોમાં 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સૌરવ (35), વર્ષા (35), આર્યન (10), ચુલુ (16), અભય (13), અજાણી મહિલા (40), અજાણી મહિલા (25), કલ્પેશ (40), અજાણ્યા પુરૂષ (25)ના ઉપરાંત નીતુ દેવી અને નવનીત કુમારનો સમાવેશ થાય છે.

ઘટનાસ્થળની નજીક રહેતા ડૉ. શંભુનારાયણ સિંહે મીડિયાને જણાવ્યું કે, ગેસ લીક થયા બાદ તેમના ઘરના 5 લોકો બેહોશ થઈ ગયા છે. તેમને ઘરની નજીક જવા દેવામાં આવતા નથી. તેની આસપાસ રહેતા દરેક લોકોને તેની અસર થઈ છે.

સ્થળ પર હાજર અંજલ કુમારે જણાવ્યું કે, મારા કાકાની અહીં આરતી ક્લિનિક નામની દુકાન છે. તેનો આખો પરિવાર બેહોશ થઈ ગયો છે. 2 લોકોના મૃતદેહ હજુ પણ ઘરમાં પડ્યા છે. અંજલે જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોના શરીર સંપૂર્ણપણે વાદળી થઈ ગયા છે.

ગેસ લીક થયા બાદ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પીડિત અંજલ કુમાર તેના પરિવારના મૃતદેહો અને બેભાન લોકોને બહાર કાઢવામાં પોલીસ પ્રશાસનની મદદ કરી રહ્યો છે. તેની માતાને પોલીસ દ્વારા પહેલાથી જ બેરિકેડ પર રોકી દેવામાં આવી છે.

પંજાબના CM ભગવંત માને ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાં ગેસ લીક થવાની ઘટના દુઃખદ છે. પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.'

સ્થળ પર હાજર પોલીસકર્મીએ જણાવ્યું કે ગ્યાસપુરામાં ગોયલ કિરાણા સ્ટોર પાસે ગેસ લીક થયો છે. અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવા માટે તબીબી નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં માર્યા ગયેલાઓના સ્વજનોની રડી રડીને હાલત ખરાબ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp