લૂંટેરી હસીના: 8 કરોડ લૂંટ્યા, ગામવાળાઓએ જણાવ્યું કેટલાને ફસાવ્યા

લુધિયાણાની CMS કંપનીમાં 8.49 કરોડ રૂપિયાની લૂંટના માસ્ટરમાઇન્ડ મનદીપ મોનાની કહાનીએ બધાને ચોંકાવી દીધા છે. તે ડેહલોં ગામની રહેવાસી છે. જ્યારે મીડિયાની ટીમ આ લૂંટેરી હસીનાના ઘરે પહોંચ્યા તો ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. મોનાના ઘરની બહાર પડેલી મોનાની એક્ટિવા સ્કૂટીની ડિક્કીમાંથી ઈન્જેકશન (રસીઓ) મળી આવ્યા હતા અને લુધિયાણા પોલીસ તેની તપાસ કરી રહી છે. એવો અંદાજો લગાવવામાં આવે છે કે, મોનાને ડ્રગ્સની લત તો નથી ને, તેના પર ત્રણ-ચારવાર લગ્ન કરવાનો આરોપ છે. લોકોને તો શંકા છે કે તે ક્યાંક યુવકોને હની-ટ્રેપમાં ફસાવી તો નથી રહીને.
મનદીપ મોનાના ગામના લોકોએ તેને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી. લોકો જણાવે છે કે, મોનાના પરિવારના કેટલાક લોકોને પોલીસે 13 જૂનની સાંજે અટકાયતમાં લીધા હતા. મોનાના પરિવારમાં બે ભાઈઓ કાકા અને હરપ્રીત છે. હરપ્રીતની પોલીસે લૂંટના કેસમાં ધરપકડ કરી છે. મોના અને તેના પતિ જસવિંદર સિંહની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. પોલીસે મોના અને તેના પતિ જસ્સાને વોન્ટેડ જાહેર કરીને તેમના ફોટા પણ જાહેર સ્થળોએ લગાવી દીધા છે.
મનવિન્દરનું ઘર ગામમાં મોનાના ઘરની બાજુમાં છે. મનવિન્દરે કહ્યું કે મોના નાનપણથી જ તેના નાના-નાની સાથે રહી છે. તે ડેહલોંમાં આવતી-જતી રહેતી હતી. કેટલાક વર્ષોથી તે ડેહલોંમાં રહેવા લાગી હતી. મોટા ભાઈ કાકા મોનાની હરકતો માટે વારંવાર તેનો વિરોધ કરતા હતા. તે રોજિંદા કામદાર તરીકે કમાય છે. તે ઘણા દિવસો સુધી ઘરની બહાર જ રહેતી હતી. ગામના લોકોને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, મોના આટલી મોટી લૂંટની માસ્ટર માઇન્ડ છે.
મનવિંદર કહે છે કે, મોના એક અઠવાડિયા સુધી ઘરે રહેતી હતી અને પછી તે 2-3 મહિના બહાર રહેતી હતી. માતા-પિતાને ખબર ન હતી કે તે શું કામ કરતી હતી. માતા-પિતાની છૂટછાટનું કારણ એ છે કે તે આટલી મોટી લૂંટેરી બની ગઈ. ઘણીવાર તે જ્યારે પણ ગામમાં આવતી ત્યારે તે કોઈ ગામવાળાને બોલાવતી પણ નહોતી. મોનાના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં થયા હતા. ત્યાર પછી તે સતત ડેહલોંમાં આવતી જતી રહેતી હતી. મનવિંદરે જણાવ્યું કે, મોનાનો નાનો ભાઈ હરપ્રીત, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે, તે બરનાલામાં મોના પાસે રહેતો હતો. તે અહીં ભાગ્યે જ આવતો હતો. લોકો કહે છે કે, મોનાના ભાઈ હરપ્રીતને પણ મોનાની જેમ મોંઘા મોબાઈલનો શોખ છે.
ગામના કેટલાક લોકોએ પાછળથી જણાવ્યું કે, મોના બે વાર લગ્ન કરી ચૂકી છે. આ તેના ત્રીજા લગ્ન છે. કેટલાક લોકો આ લગ્નને ચોથો લગ્ન પણ કહી રહ્યા છે. લોકો જણાવે છે કે, મોના જલ્દી અમીર બનવા માટે આ પ્રકારના પગલા ઉઠાવી રહી છે. લોકોનું માનીએ તો, પોલીસ છેલ્લા 2-3 વર્ષના મોનાના મોબાઈલ રેકોર્ડની તપાસ કરે તો મોનાના હનીટ્રેપનો ભોગ બનેલા અનેક યુવકો બહાર આવી શકે તેમ છે.
મોનાના ઘરે હંમેશા ઉઘરાણી કરવાવાળા વારંવાર આવતા રહેતા હતા. રોજેરોજ દુકાનદારો કે બેંકવાળાઓ એક યા બીજી બાબતને લઈને વિવાદ કરતા હતા. મોના દુકાનમાંથી ફ્રિજ, LCD કે ઘરની કોઈપણ વસ્તુ હપ્તેથી ખરીદતી હતી. તે એક-બે હપ્તા આપ્યા પછી પૈસા આપતી ન હતી. ઘણી વખત તો કેટલાક લોકો ઘરમાંથી સામાન પણ લઈ ગયા હતા.
ગામલોકોએ મોનાના ઘરની સામે પાર્ક કરેલી એક્ટિવા બતાવી. એક્ટિવા પર નંબર પ્લેટ પણ ન હતી. ગામના લોકોએ જણાવ્યું કે, એક્ટિવાની ડીક્કીમાં ઇન્જેકશનો પડેલા છે. કેસમાં મોટો વળાંક એ આવ્યો કે, મોનાના એક્ટિવામાં ઇન્જેકશનો આવ્યા ક્યાંથી? શું મોના ડ્રગ એડિક્ટ છે? પોલીસ હવે આ એંગલથી પણ તપાસ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર એક્ટિવા પણ કબજે લેવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે, મનદીપ અને તેના પતિ જસ્સા કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી શકે છે. આ કારણોસર લુધિયાણા પોલીસે બંને વિરુદ્ધ LOC બહાર પાડ્યું છે. સાદા યુનિફોર્મમાં પોલીસની ટીમો ગામમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp