બિહારના છપરામાં ફસાઇ ગઇ ગંગા વિલાસ ક્રૂઝ? IWAIએ કહી હકીકત

PC: livemint.com

ઉત્તર પ્રદેશના વારાણસીથી ડીબ્રુગઢ માટે રવાના થયેલી ગંગા વિલાસ ક્રૂઝ સોમવારે બિહારના છપરામાં ફસાઇ ગઇ હોવાના સમાચાર વહેતા થયા હતા. ડોરીગંજમાં ગંગા નદીમાં પાણી ઓછું હોવાના કારણે ક્રૂઝ નદીના કિનારે રોકાઇ ગઇ હતી. જાણકારી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. ત્યારબાદ ક્રૂઝ-ઓપરેટર્સની મદદથી તેને ત્યાંથી કાઢવામાં ખૂબ મુશ્કેલી ઉઠાવવી પડી. ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી નદી યાત્રા પર નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીના રોજ તેને વારાણસીથી લોન્ચ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, છપરાના ડોરીગંજ વિસ્તારમાં પાણી ઓછું હોવાના કારણે ગંગા વિલાસ ક્રૂઝ આગળ વધી શકતી નહોતી, જેના કારણે તેને કિનારે લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે આગળ ન વધી શકી. ત્યારબાદ SDRFની ટીમે એક નાનકડી નાવ દ્વારા સહેલાણીઓને બહાર કાઢ્યા અને પછી ક્રૂઝને આગળ ખેચવામાં આવી. છપરાના CO સતેન્દ્ર સિંહે કહ્યું કે, ચિરાંદમાં સહેલાણીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટ પર SDRFની ટીમ તૈનાત છે, જેથી કોઇ પણ અપ્રિય સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

પાણી ઓછું હોવાના કારણે ક્રૂઝને કિનારે લાવવા માટે ખૂબ પરેશાની થઇ. તો ગંગા વિલાસ ક્રૂઝના સંચાલક ટીમમાં સામેલ આર.સી. પાંડેનું કહેવું છે કે, ક્રૂઝ ફસાવાની વાત કહેવું યોગ્ય નથી. નદીમાં પાણી ઓછું હોવા અને કિનારા પર કિચડના કારણે ક્રૂઝને કિનારે લઇ જવું યોગ્ય નહોતું. તેને પહેલા રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ પર્યટકોને નાની નાવ દ્વારા સુરક્ષિત રીતે ચિરાંદ કિનારે પહોંચાડવામાં આવ્યા. ક્રૂઝ નદીમાં ફસાવાના સમાચારોનું ભારતીય અંતર્દેશીય જળમાર્ગ ઓથોરિટી-નૌવાહન અને જળમાર્ગ મંત્રાલય (IWAI) તરફથી ખંડન કરવામાં આવ્યું છે.

IWAIના ચેરમેન સંજય બંદોપાધ્યાએ કહ્યું કે, ગંગા વિલાસ ક્રૂઝ પોતાના નક્કી કાર્યક્રમ મુજબ પટના પહોંચી ગઇ છે. તેનું છપરામાં ફસાવાના સમાચારોમાં જરાય સત્યતા નથી. ગંગા વિલાસ દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ છે. તે પોતાના નિર્ધારિત સમય મુજબ, પોતાની આગળની યાત્રા ચાલુ રાખશે. ગંગા વિલાસ ક્રૂઝને 13 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લોન્ચ કરી હતી. લોન્ચિંગ વખતે કહેવામાં આવ્યું હતું કે, ગંગા વિલાસ ક્રૂઝ નદીના માર્ગે 3,200 કિલોમીટરની સફળ કરશે. એટલે ક્રૂઝ વારાણસીથી રવાના થઇ અને આગામી દિવસે બિહારની સીમમાં પ્રવેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp