પોપટ બન્યા નશાના બંધાણી! અફીણનો પાક નષ્ટ કરી રહ્યા છે, ખેડૂતો ટેન્શનમાં

PC: khabar36.com

જો માણસોની સાથે પશુ-પક્ષીઓ પણ ડ્રગ્સના બંધાણી બની જાય તો વિચારો કે શું થશે, પરંતુ કંઈક આવું જ અફીણ ઉત્પાદક ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. અહીં માનવીની સાથે પક્ષીઓ પણ અફીણના વ્યસની બની ગયા છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે આ પક્ષીઓ અફીણના પાકને ઘણું નુકસાન કરી રહ્યા છે. ખેડૂતોને આ પક્ષીઓથી પાકને બચાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ સમયે જ્યારે ડાળીઓમાંથી અફીણ કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અફીણ ઉત્પાદક ખેડૂતો માટે ચોરો, લૂંટારાઓ-તસ્કરોની સાથે-સાથે પોપટ પણ એક મોટો પડકાર બની રહ્યા છે.

મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ અને રતલામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અફીણની ખેતી કરતા જોવા મળે છે. તેની ખેતી માટે, ખેડૂતોએ કાયદેસર રીતે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ પાસેથી લાયસન્સ લેવું પડતું હોય છે. ખેડૂતો આ પાકને નાર્કોટિક્સ વિભાગની દેખરેખ હેઠળ જ ઉગાડી શકે છે. હવે અહીંના ખેડૂતોનો અફીણનો પાક જોખમમાં મુકાઈ ગયો છે. ખરેખર અહીં પોપટ અફીણ ખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકશાન થવાનો ડર સતાવી રહ્યો છે.

પોપટના આતંકને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અફીણની ખેતી કરતા ખેડૂતોએ તેમની ઉપજ સરકારને આપવી પડે છે. જો ખેડૂતો આ કરી શકતા નથી, તો સરકાર દ્વારા અફીણની ખેતી માટેનો તેમનો કરાર સમાપ્ત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે કેટલાક ખેડૂતોએ પોપટથી અફીણના પાકને બચાવવા માટે પ્લાસ્ટિકની જાળીઓ લગાવવાનું શરૂ કર્યું છે.

પ્લાસ્ટિક નેટના ઉપયોગને કારણે અફીણના પાકને પહેલા કરતા ઓછું નુકસાન થવા લાગ્યું છે. અગાઉ, પોપટ તેમની ચાંચમાં મોટી માત્રામાં અફીણની ડાળીઓ લઈને ઉડી જતા હતા. હવે પ્લાસ્ટિકની જાળી લગાવવાથી આવા પોપટની સંખ્યામાં ઘટાડો થયો છે. આ બધા ઉપરાંત નીલગાયનો ખતરો પણ અફીણની ખેતી પર તોળાઈ રહ્યો છે.

અફીણની ખેતી જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થાય છે. તેમાં અફીણ ઉપરાંત અફીણ ડોડા પણ મળે છે. જ્યારે તેના છોડ નાના હોય છે ત્યારે તે શાકભાજી માર્કેટમાં વેચાય પણ છે. આ ઉપરાંત અફીણના નાના છોડનું શાક પણ બનાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી અફીણ ખરીદે છે. આમાંથી મોર્ફિન બહાર આવે છે. અફીણમાંથી ઘણા જુદા જુદા પદાર્થો નીકળે છે. જેમાંથી તેનો ઉપયોગ હૃદયની દવા, રક્ત સંબંધિત દવા અને ઘણી માનસિક અને ઊંઘની દવાઓ બનાવવામાં થાય છે. અફીણની દાણચોરીના કેસમાં NDPS કલમ લાગુ કરવામાં આવે છે. તેમાં મહત્તમ 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp