અભિનેતા રણબીર કપૂરને EDનું સમન્સ, 6 ઓકટોબરે હાજર રહેવા આદેશ

PC: twitter.com

ઓનલાઇન સટ્ટાબાજી સાથે જોડાયેલી મહાદેવ બેટીંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બોલિવુડ અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યુ છે. રણબીર કપૂર પર આ એપને પ્રમોટ કરવાનો આરોપ છે. EDએ રણબીરને 6 ઓકટોબરે પુછપરછ માટે હાજર રહેવા આદેશ કર્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શંકા છે કે રણબીર કપૂર મહાદેવ એપને પ્રમોટ કરવા માટે મોટી રકમ લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 થી વધુ 'A' લિસ્ટ બોલિવુડ અને ટોલીવુડ સ્ટાર્સ પણ EDના રડાર પર છે અને ટૂંક સમયમાં બધાને સમન્સ મોકલવામાં આવશે. એટલું જ નહીં, ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ તપાસ એજન્સીની શંકાના દાયરામાં છે.

જાણવા મળેલી વિગત મુજબ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપના માલિકોની સ્થાનિક વેપારીઓ અને હવાલા ઓપરેટર્સ ઉપરાંત પાકિસ્તાનમાં પણ લિંક હોવાની શંકા છે. EDના સૂત્રોનું કહેવું છે કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહાદેવ બેટીંગ એપના સહ સ્થાપક, સૌરભ ચંદ્રાકારના ભવ્ય લગ્નમાં અને ગયા વર્ષે કંપનીની સક્સેસ પાર્ટીમાં ભાગ લેવા અને પરફોર્મ કરવા માટે ગયેલી 17 જેટલી બોલિવુડ હસ્તીઓ તપાસના દાયરામાં છે. એવું કહેવામાં આવે છે કે ચંદ્રાકરના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

EDની તપાસમાં ખુલાસો થયો છે કે બ્રહ્માસ્ત્ર સ્ટારને મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરો દ્વારા તેમની ગેમિંગ એપને પ્રમોટ કરવા માટે કથિત રીતે ચૂકવણી કરવામાં આવી હતી. રણબીરને જે પેમેન્ટ કરવામાં આવ્યું હતું તે ગુનાની આવક હતી. મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે કથિત રીતે સેલિબ્રિટીઓને પેમેન્ટ કરવા માટે સટ્ટાબાજીના પૈસાનો ઉપયોગ કર્યો હતો.

રણબીર કથિત રીતે એપ દ્વારા સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીઓમાંનો એક હતો. તેણે એપ માટે સોશિયલ મીડિયા પ્રમોશન પણ કર્યું હતું.

ભારતના એક નાનકડા ગામડામાં જ્યુસની દુકાન ચલાવનારો ચંદ્રાકર આજે દુબઇમાં બેસીને અબજો રૂપિયાનો સટ્ટાનો વેપલો કરે છે. તેની સાથે તેનો મિત્ર રવિ ઉપ્પલ પણ મહાદેવ બેટીંગ એપનો પાર્ટનર છે.

મહાદેવ એપ નવા યુઝર્સને નોમિનેટ કરવા, યુઝર આઈડી બનાવવા અને બેનામી બેંક એકાઉન્ટના વેબ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરવા માટે ઓનલાઈન બુક સટ્ટાબાજીની એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી. એક અંદાજ મુજબ કૌભાંડની રકમ રૂ. 5,000 કરોડ સુધીની હોઈ શકે છે અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ તેમાં વધુ વધારો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp