મહારાષ્ટ્ર: ભાજપના મહિલા ધારાસભ્યએ જાહેરમાં સરકારી ઇજનેરને તમાચા ઠોકી દીધા

PC: indianexpress.com

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહિલા ધારાસભ્ય ગીતા જૈન સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચામાં છે. એમની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે તમણે પોતાના પદની ગરીમા ભૂલીને એક સરકારી ઇજનેરને જાહેરમાં તમાચા ઠોકી દીધા હતા અને અપશબ્દો બોલ્યા હતા. વીડિયો વાયરલ થયા પછી MLA ગીતા જૈનની ભારે આલોચના થઇ રહી છે.

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મહિલા ધારાસભ્ય દ્વારા સિવિક એન્જિનિયરને જાહેરમાં થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં, થાણે જિલ્લાના ધારાસભ્ય ગીતા જૈન મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના બે એન્જિનિયરોને કેટલાક બાંધકામો તોડી પાડવા બદલ દુર્વ્યવહાર કરતા જોઈ શકાય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ બાંધકામો તોડી પાડ્યા બાદ લોકોને રસ્તા પર રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ પગલાથી ચોમાસા પહેલા પરિવાર અને બાળકો બેઘર થઈ ગયા છે.

ગીતા જૈને સવાલ કર્યો હતો કે એન્જિનિયરો સ્ટ્રક્ચર કેવી રીતે તોડી શકે અને ધારાસભ્યએ તેમને સરકારી ઠરાવ (GR) સબમિટ કરવા કહ્યું. વીડિયોમાં ગીતા જૈનને કહેતા સાંભળી શકાય છે કે, તુ માણસ છે કે રાક્ષસ છે. આ પછી ગીતા જૈને ઈજનેરનો કોલર પકડીને તેને નાલાયક કહ્યો હતો. જ્યારે ત્યાં હાજર લોકોએ કહ્યું કે વીડિયો બની રહ્યો છે, તો તેઓએ કહ્યું કે વીડિયો બનાવવા દો.ભીડમાંથી એક વ્યક્તિએ ફરિયાદ કરી કે પહેલા બિલ્ડરને આવવા દો, પછી એન્જિનિયરે કહ્યું કે સ્ટ્રક્ચર તોડવું પડશે.

ગીતા જૈને ભાજપના સભ્ય તરીકે શરૂઆત કરી હતી, પરંતુ 2019માંઅપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા. એક વર્ષ પછી તેમણે શિવસેનાની આગેવાની હેઠળની સરકારને સપોર્ટ જાહેર કર્યો હતો. ગીતા જૈન વર્ષ 2015-2017માં મીરા-ભાયંદરના મેયર તરીકે રહ્યા હતા. શિવસેનામાં ખટરાગ ઉભો થતા ગીતા જૈન 2022માં ભાજપમાં જોડાયા હતા.

ગીતા જૈને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કરીને આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, વરસાદની સિઝનમાં કોઈ પણ મકાન ન તોડવાના આદેશ આપવામાં આવ્યા છે. આમ છતાં આ લોકો મહિલાનું ઘર તોડી રહ્યા હતા. મહિલાએ મારી પાસે મદદ માંગી હતી.ગીતા જૈને કહ્યું કે, જ્યારે હું અધિકારીઓ સાથે વાત કરી રહી હતી ત્યારે એન્જિનિયર હસતો હતો. પીડિત મહિલા રડી રહી હતી અને તે તેની સામે હસી રહ્યો હતો. આનાથી મને ગુસ્સો આવ્યો અને મેં થપ્પડ મારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp