દીકરીના જન્મ પર આ રાજ્યમાં મળે છે 50 હજાર રૂપિયા, આ છે શરતો

દેશમાં દીકરીઓના હિત માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ઘણી રીતની યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ દીકરીઓની સંખ્યા વધારવા અને તેમની ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો હોય છે. ગુજરાતના પાડોશી આ રાજ્યમાં પણ કન્યાઓ માટે એક સરસ સ્કીમ ચાલી રહી છે. માઝી કન્યા ભાગ્યશ્રી યોજના નામથી ચાલી રહેલી આ સ્કીમમાં દીકરીના જન્મ પર અમુક શરતો પૂરી કરવા પર 50 હજાર રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે.
Majhi Kanya Bhagyashree Yojanaની શરૂઆત મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલ 2016માં કરી હતી. કન્યાઓની સંખ્યા વધારવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બીજી દીકરી થવા પર પણ સરકાર પૈસા આપે છે. આ યોજનાનો ફાયદો માત્ર મહારાષ્ટ્રના સ્થાયી થયેલા નિવાસીઓને જ મળે છે.
આ શરતોનું પાલન કરવાનું રહેશે
આ યોજના હેઠળ રાજ્યના જે માતા-પિતા દીકરીના જન્મ થયા પછી એક વર્ષની અંદર નસબંધી કરાવી લે છે તો તેને સરકાર દ્વારા 50 હજાર રૂપિયા બેંકમાં બાળકીના નામ પર મળે છે. આ યોજના હેઠળ જો માતા-પિતાએ બીજી બાળકીના જન્મ પછી પરિવાર નિયોજન અપનાવ્યું છે તો નસબંધી કરાવ્યા બાદ બંને દીકરીઓના નામે 25-25 હજાર રૂપિયા બેંકમાં જમા થશે. આ યોજના હેઠળ કન્યાને વ્યાજના રૂપિયા મળશે નહીં. જ્યારે કન્યા 18 વર્ષની થઇ જશે તો તે બધી રકમ મેળવવાને પાત્ર બનશે. આ સ્કીમનો લાભ મેળવવા માટે કન્યા 10મુ પાસ હોવી જરૂરી છે અને સાથે જ તે અવિવાહિત હોવી જોઇએ.
મળે છે 1 લાખનો એક્સિડેન્ટ વીમો
માઝી કન્યા ભાગ્યશ્રી યોજના હેઠળ મળનારા પૈસાનો ઉપયોગ દીકરીના ભણતર માટે કરી શકાય છે. આ યોજના હેઠળ માતા અને દીકરીના નામથી બેંકમાં જોઈન્ટ ખાતુ ખોલી શકાય છે. જેના પર 1 લાખ રૂપિયાનો એક્સિડેન્ટ વીમો અને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે.
આ સ્કીમનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવો જરૂરી છે. તેની સાથે જ માતા કે બાળકીના બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને રેસિડેન્ટ પ્રૂફની જરૂર પડે છે. ઈનકમ પ્રૂફ પણ આપવાનું રહે છે.
આ સ્કીમ માટે રજિસ્ટ્રેશન કરવા મહારાષ્ટ્ર સરકારની વેબસાઈટથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહે છે. આ ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજોની સાથે તેને મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસમાં જમા કરાવવાનું રહે છે. તપાસ પછી અરજી યોગ્ય લાગવા પર સરકાર પૈસા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp