અદાણીને મળી કરોડોની લોન, ખેડૂતના 31 પૈસા બાકી છતા ન મળી NOC: સંસદમાં બોલ્યા ખડગે

PC: khabarchhe.com

સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવા દરમિયાન બિઝનેસમેન ગૌતમ અદાણી અને હિંડબર્ગના રિપોર્ટનો મુદ્દો ગરમાયેલો છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બુધવાર (8 ફેબ્રુઆરી)ના રોજ ગુજરાતના એક ખેડૂતનો કિસ્સો સંભળાવતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. મલ્લિકાર્જૂન ખડગેએ સદનમાં બોલતા કહ્યું હતું કે દેશના એક બિઝનેસમેનને લાખો કરોડ રૂપિયા આપી શકાય છે, પરંતુ એક ખેડૂતને 31 પૈસાના બાકી રહેતા NOC લેવા માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવવો પડે છે.

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે વર્ષ 2014માં કહેવામાં આવ્યું, ‘ન ખાઇશ અને ન ખાવા દઇશ.’ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નજીકના મિત્રની સંપત્તિ થોડા જ વર્ષોમાં 13 ગણી વધી ગઇ, આખરે એવો કયો જાદુ કરી દીધો? તેના પર રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે તેમને ટોકતા કહ્યું કે, એવો કોઇ પણ આરોપ ન લગાવો, જે તમે પછી સાબિત ન કરી શકો. જેના પર મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતના એક ખેડૂતનો કેસ છેડી દીધો. આવો આ આર્ટિકલમાં જાણીએ શું છે મામલો.

ટાઇમ્સ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ, અમદાવાદના બાહ્ય વિસ્તારમાં આવેલા ખોરાજ નામના એક ગામમાં મનોજ વર્મા અને રાકેશ વર્માએ શામજીભાઇ પાશાભાઇ પાસે જમીનનો એક હિસ્સો ખરીદ્યો હતો. એ જમીન પર પાશાભાઇ અને તેમના પરિવારે SBI પાસે લોન લીધી હતી. લોન ચૂકવવા પહેલા જ પાશાભાઇના પરિવારે જમીનની ડીલ કરી દીધી. જમીન પર લોન હોવાના કારણે દસ્તાવેજોમાં નવા માલિકોના નામ ન ચડી શક્યા. તેના માટે SBI પાસેથી NOCની જરૂરિયાત હતી.

જમીનના ખરીદદારોએ લોન ચૂકવવાની રજૂઆત કરી, પરંતુ મામલો અટકેલો રહ્યો. મામલો આગળ ન વધવા પર જમીન ખરીદદારોએ વર્ષ 2020માં હાઇ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અરજી પર સુનાવણી પહેલા જ લોનની રકમ ચૂકવી દેવામાં આવી. જો કે એ છતા SBI તરફથી NOC આપવામાં ન આવી. જેના કારણે સરકારી દસ્તાવેજોમાં જમીનના વર્તમાન માલિકોના નામ ચડાવી શકાતા નહોતા. ગયા વર્ષે એપ્રિલમાં આ બાબતે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

જસ્ટિસ ભાર્ગવ કરિયાએ સુનાવણી દરમિયાન SBIને સખત ફટકાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે SBIએ હાઇ કોર્ટમાં NOC ન આપવાનું કારણ 31 પૈસા બાકી હોવાનું કહ્યું હતું. જસ્ટિસ ભાર્ગવ કરિયાએ SBIને ફટકાર લગાવતા કહ્યું હતું કે આટલી નાની રકમ માટે NOC ન આપવું કંઇ શોષણ નથી. શું તમને ખબર છે કે 50 પૈસાથી નીચેની કોઇ પણ રકમને ન માનવાનો નિયમ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp