Video: બંદૂક લઈને ક્લાસમાં આવ્યો અને 40 વિદ્યાર્થીઓને બનાવ્યા બંધક

PC: postsen.com

પશ્વિમ બંગાળના માલદા જિલ્લામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં બુધવારે એક વ્યક્તિએ બંદૂકના દમ પર સાતમા ધોરણના વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા. સૂચના મળવા પર અફરાતફરી મચી ગઈ હતી. મામલાની જાણકારી મળતા પોલીસ ફોર્સ સ્કૂલમાં પહોંચી અને યુવકને ઝડપી લીધો. બીજી તરફ, મામલાની જાણકારી સ્થાનિક લોકોને મળી તો તેમણે સ્કૂલે પહોંચીને હંગામો કર્યો, જેમને બાદમાં પોલીસે સમજાવીને શાંત કરાવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં એક પ્રશાસનિક બેઠક કરી રહ્યા હતા. તેમને મામલાની જાણકારી મળી તો તેમણે આ બંધક બનાવવાની ઘટનાને હોંશિયારી સાથે ટાળવા બદલ પોલીસના વખાણ કર્યા હતા.

જાણકારી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મામલો જુના માલદામાં મુચિયા આંચલ ચંદ્ર મોહન હાઈસ્કૂલનો છે. વિદ્યાર્થીઓમાં એ સમયે દહેશત ફેલાઈ ગઈ, જ્યારે એક અજ્ઞાત વ્યક્તિ ક્લાસમાં ઘૂસી ગયો અને બંદૂક કાઢી હતી. ઘટનાના સમયે ક્લાસમાં છોકરીઓ સહિત આશરે 35-40 વિદ્યાર્થીઓ હતા, જેમણે બંદૂક જોતા જ બૂમો પાડવાની શરૂ કરી દીધી. અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ વ્યક્તિ સ્કૂલમાં ઘૂસવામાં સફળ થઈ ગયો અને એ રૂમમાં ઘૂસી ગયો જ્યાં ધોરણ સાતના વિદ્યાર્થીઓ બેઠા હતા.

યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા એક કાગળ લહેરાવતા તેણે કહ્યું કે, રાજ્ય સચિવાલય સહિત વિવિધ અધિકારીઓને તેણે પોતાની ગૂમ પત્ની અને બાળકની ફરિયાદ કરી છે પરંતુ, કોઇએ તેના પર ધ્યાન ના આપ્યું. જોકે, તેના પાડોશીઓના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિ પોતાની પત્નીથી અલગ રહે છે અને તેનું બાળક તેની પત્ની સાથે જ રહે છે. માલદાના પોલીસ અધિક્ષક પ્રદીપ યાદવે કહ્યુ- સ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે. અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે તે વ્યક્તિ સ્કૂલ અને ક્લાસમાં ઘૂસવામાં સફળ કઈ રીતે રહ્યો.

મામલાને લઈને CM મમતા બેનર્જીએ પોલીસના વખાણ કરતા આરોપ લગાવ્યો કે આ સમગ્ર મામલો એક ષડયંત્ર હોઇ શકે છે. મુખ્યમંત્રીએ રાજ્ય સચિવાલયમાં એક પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું, માલદા સ્કૂલમાં બંદૂક લહેરાવનારી વ્યક્તિનો મામલો પાગલપન ના હોઈ શકે. મારે મારી પોલીસ અને મીડિયાના વખાણ કરવા જોઈએ. હું માનુ છું કે તેની પાછળ દિલ્હીનું ષડયંત્ર છે. યુવક બંધક બનાવવાની વાત કરી રહ્યો હતો. કોણે તેને આ આઇડિયા આપ્યો?

તો બીજી તરફ BJPના રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્ય પોલીસની ટીકા કરી અને ઘટનાની સરખામણી અમેરિકામાં સ્કૂલોમાં થયેલી ગોળીબારીની ઘટનાઓ સાથે કરી. તેમણે કહ્યું, આ ઘટના રાજ્યમાં બગડતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિને દર્શાવે છે. આ પ્રકારની ઘટનાઓ યૂરોપ અને અમેરિકામાં ખૂબ જ સામાન્ય છે. અમે અહીં આવી ઘટનાઓ ક્યારેય નથી જોઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp