સિસોદિયાની હોળી જેલમાં કપાશે, CBIને વધુ 2 દિવસની કસ્ટડી મળી, જાણો શું દલિલ થઈ
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર CBI કોર્ટે આજે નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. આજે 10 માર્ચે 2 વાગ્યે મામલાની સુનાવણી થઇ. વિશેષ CBI કોર્ટ એમકે નાગપાલની કોર્ટમાં મનીષ સિસોદિયા તરફથી વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણન અને સિદ્ધાર્થ અગ્રવાલ કોર્ટમાં રજૂ થયા. CBIએ મનીષ સિસોદિયાના ફરીથી 3 દિવસના રિમાન્ડ માંગ્યા. CBIએ કોર્ટને કહ્યું કે, સિસોદિયા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.
CBIએ કોર્ટને કહ્યું કે, સાક્ષીઓની સામે સિસોદિયાને બેસાડીને પૂછપરછ કરવાની છે. કેટલાક દિલ્હી સરકારના ઓફિસરો સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. ષડયંત્રની તપાસ કરવાની છે. કેટલાક ડિજિટલ એવિડન્સ છે, તેમને રાખીને પૂછપરછ કરવાની છે. જજે CBI પાસે કેસ ડાયરી માંગી અને પૂછ્યું કેટલા કલાક પૂછપરછ કરી છે? CBIએ કહ્યું કે, એક દવાના ચક્કરમાં અમારો એક દિવસ ખરાબ થયો. સિસોદિયાએ તે દવાની માગણી કરી હતી.
સિસોદિયાના વકીલે કહ્યું કે, તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. આવુ કહીને રિમાન્ડ આપવાનું ગ્રાઉન્ડ ના થઈ શકે. CBIએ કોર્ટને જાણકારી આપી કે, સમગ્ર પૂછપરછનું રેકોર્ડિંગ સીડીમાં છે. તેને કોર્ટમાં બતાવી ના શકાય. CBIએ કોર્ટમાં જાણકારી આપી કે, રોજના રાત્રે 8 વાગ્યા સુધી પૂછપરછ થાય છે. એક દિવસ આખો સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો ગયો. CBIએ કહ્યું કે, થોડાં દસ્તાવેજ મિસિંગ છે, જેને જપ્ત કરવાના છે.
મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે, જ્યાં સુધી તેઓ ગુના કબૂલ ના કરી લે, શું ત્યાં સુધી તેમને કસ્ટડી જોઈએ? સિસોદિયાના વકીલે કહ્યું કે, ઘણા મહિનાઓ સુધી ધરપકડ ના કરી, હવે અચાનક ધરપકડ કરી અને રિમાન્ડ વધારવાની માંગ કરી રહ્યા છે. હવે ક્યાંથી બધી વસ્તુઓ અચાનક મળવા માંડી. અમે હાઈકોર્ટમાં ધરપકડને ચેલેન્જ કરી છે. તેના પર જજે કહ્યું કે, શું તમે રિમાન્ડને પણ ચેલેન્જ કરી છે? કોર્ટે કહ્યું કે, જો તમને લાગે છે કે, રિમાન્ડના આદેશ ખોટા છે તો તેને હાઈકોર્ટમાં પડકાર આપો.
સિસોદિયાના વકીલે કહ્યું કે, તેમની પત્નીનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ છે, છેલ્લાં 20 વર્ષથી ગંભીર બીમારીથી પીડિત છે. સિસોદિયા ક્યાંય ભાગી નથી રહ્યા. પહેલાવાળા ગ્રાઉન્ડના આધાર પર હવે ફરી CBI ત્રણ દિવસ રિમાન્ડ વધારવાની માંગ કરી રહ્યું છે. CBI કહી રહ્યું છે કે, તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. જવાબ નથી આપી રહ્યા. પહેલા જેવા સમાન ગ્રાઉન્ડના આધાર પર CBI રિમાન્ડ વધારવાની માંગ ના કરી શકે. CBIની રિમાન્ડ કોપીમાં કંઈ નક્કર નથી. એ જ જુના આરોપ છે.
કોર્ટે CBIને પૂછ્યું કે, તમે મનીષ સિસોદિયાનો કોની સાથે સામનો કરાવવા માંગો છો? CBIએ કહ્યું કે, અમે કોર્ટમાં જણાવી ના શકીએ. સિસોદિયાના વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે અનુચ્છેદ 32 અંતર્ગત અહીં ના આવી શકો. પરંતુ, તમે અન્ય કાયદાકીય સમાધાન લઈ શકો છો. મનીષ સિસોદિયાને છોડી દેવામાં આવે. હોળી બાદ 9 માર્ચે મનીષ સિસોદિયા ફરીવાર તપાસમાં સામેલ થઈ જશે. તેના પર CBIએ કહ્યું કે, સિસોદિયાની જામીન અરજી પર જવાબ આપવા માટે તેમને 15 દિવસનો સમય જોઈએ. ત્યારબાદ CBI કોર્ટે આજે નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. હવે 10 માર્ચે 2 વાગ્યે મામલાની સુનાવણી થશે.
દિલ્હી આલ્કોહોલ નીતિ મામલામાં આરોપી આમ આદમી પાર્ટીના નેતા હાલ CBI કસ્ટડીમાં છે. આ મામલામાં મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી કરી છે. પૂર્વ ઉપ મુખ્યમંત્રી રાષ્ટ્રીય રાજધાની માટે એક આલ્કોહોલ નીતિ તૈયાર કરવામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યા છે. આ દારૂ નીતિને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) તપાસના આદેશ આપ્યા બાદ રદ્દ કરી દેવામાં આવી હતી.
51 વર્ષીય મનીષ સિસોદિયાને CBIએ રવિવારે સાંજે 2021-22 માટે રદ્દ કરવામાં આવેલી દારૂ નીતિના નિર્માણ અને કાર્યાન્વયનમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. તેમજ દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન હાલ મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં છે. તેમણે મંગળવારે દિલ્હી કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ.
પોતાની ધરપકડના એક દિવસ બાદ સિસોદિયાએ CBIના પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. તેના પર કોર્ટે તેમને કહ્યું કે, તેમણે હાઈકોર્ટમાં જવુ જોઈતું હતું, ત્યારબાદ સિસોદિયાએ પોતાનું આવેદન પાછુ લઈ લીધુ અને કહ્યું કે, તેઓ નીચલી કોર્ટમાં જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp