પ્રસુતિનું બિલ ન ભરાયું, હોસ્પિટલે કહ્યું- કિડની વેચીને કે લોહી વેચીને પૈસા લાવો

ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.વનવાસી ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે 16000નું પેકેજ નક્કી થયું હતું, પરંતુ બિલ આવ્યું 73,000 રૂપિયા.વનવાસી પરિવાર પાસે બિલ ભરવાના પૈસા નહોતા તો હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યુ કે, જોઇએ તો કિડની વેચીને કે લોહી વેચીને પણ પૈસા લાવો, બિલ તો ભરવું જ પડશે. આખરે આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ગાઝીપુરના સૈદપુરના ભટૌલામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક ગર્ભવતી વનવાસી મહિલાને દાખલ કરવામાં આવી હતી. મહિલાને પરિવારો આરોપ મુક્યો હતો કે જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે 16,000નું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એ પછી 73,000 રૂપિયાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. પ્રસૂતાઓ પોતાનું મંગળસૂત્ર પણ વેચી નાંખ્યું, છતા બિલના રૂપિયા પુરા પડ્યા નહોતા.
જાણવા મળેલી વિગત મુજબ બહરિયાદના રહેવાસી અજય વનવાસીની પત્ની ઉમા ગર્ભવતી છે. જિલ્લા હોસ્પિટલથી ઉમાને ગંભીર હાલતમાં વારાણસીના હાયર મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં એક દલાલ મળ્યો હતો. આ દલાલે ભટૌલાની એક ખાનગી હોસ્પિટલના સંચાલક સાથે વાત કરાવીને 16,000 રૂપિયાનું પેકેજ નક્કી કરીને ઉમાને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી હતી. ઉમાની પ્રસૂતિ થઇ ગઇ અને તેણે બાળકને જન્મ આપ્યો હતો.
ત્યાર સુધીમાં ઇલાજ અને દવા પેટે વનવાસી પરિવારે 41,000 રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો હતો. જ્યારે ઉમાના ડિસ્ચાર્જ માટે અજય વાત કરવા ગયો તો હોસ્પિટલે 73,000નું બિલ આપ્યું હતું, જેમાં હજુ 32,000 રૂપિયા ભરવાના બાકી હતા.
અજય વનવાસીએ બાકીની રકમ ભરવામાં પોતે અસમર્થ હોવાની હોસ્પિટલ મેનેજમેન્ટને વાત કરી હતી, પરંતુ મેનેજમેન્ટે કહ્યુ કે, કિડની વેચીને આવો કે લોહી વેચીને આવો, બાકીની રકમ તો ભરવી જ પડશે. વિવાદ વધી ગયો તો હોસ્પિટલના સંચાલકોએ પોલીસ બોલાવી લીધી. પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતા.
આ વાતની ગામના લોકોને ખબર પડી તો વનવાસી મહિલા-પુરુષો પોલીસ સ્ટેશન આવી ગયા હતા. આખરે કલાકોની ભાંજગડ પછી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. મામલો થાળે પડતા બધા ગામ જવા રવાના થયા હતા.
આવા કિસ્સા અનેક વાર બને છે કે ગરીબ પરિવારો હોસ્પિટલનું મોટું બિલ ભરી શકતા નથી ત્યારે મેનેજમેન્ટ દાદાગીરી કરતું હોય છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp