કેજરીવાલના રાજમાં દૂધ થયું ફરી મોંઘુ, મધર ડેરીએ લીટર દીઠ 2 રૂપિયાનો કર્યો વધારો

PC: aajtak.in

દૂધ વિક્રેતા મધર ડેરીએ દિલ્હી-NCR ક્ષેત્રમાં વેચાતા તેના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાની સોમવારે જાહેરાત કરી હતી. નવી કિંમતો મંગળવારથી લાગુ થશે. મધર ડેરીએ આ વર્ષે પાંચમી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.એકબાજુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વીજળીના બિલ માફ કરીને રાહત આપે છે તો બીજી બાજુ દૂધનો ભાવ વધી જાય છે. લોકોએ સરવાળે ભોગવવાનું જ આવે છે. 

આ સાથે આ વર્ષે તેના દૂધની કિંમતમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. મધર ડેરી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. મધર ડેરીએ જણાવ્યું હતું કે ફુલ ક્રીમ દૂધની કિંમત હવે 66 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે ટોન્ડ દૂધની સુધારેલી કિંમત 53 રૂપિયા પ્રતિ લિટર હશે. તો ડબલ ટોન્ડ દૂધની કિંમત 2 રૂપિયા વધીને 47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

જોકે, કંપનીએ ગાયના દૂધની થેલીઓ અને ટોકનથી ખરીદેલા દૂધના ભાવમાં વધારો કર્યો નથી. આ દરમિયાન, અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ વેચતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ તેના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે કંપનીની નજીકના સમય ગાળામાં કિંમતો વધારવાની કોઈ યોજના નથી.

તો મધર ડેરીએ આ ભાવવધારા માટે દૂધ ઉત્પાદક ખેડૂતો પાસેથી કરવામાં આવતી ખરીદીના ખર્ચમાં વધારાને જવાબદાર ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધની ખરીદ કિંમત લગભગ 24 ટકા સુધી વધી ગઈ છે. કંપનીએ કહ્યું, 'ડેરી ઉદ્યોગ માટે તે અભૂતપૂર્વ વર્ષ રહ્યું છે. અમે તહેવારો પછી પણ ગ્રાહકો અને સંસ્થાઓ બંને તરફથી માંગમાં ઉછાળો જોઈ રહ્યા છીએ. બીજી તરફ કાચા દૂધની ખરીદીમાં દિવાળી પછી પણ તેજી આવી નથી.

મધર ડેરીએ જ્યારે ભાવ વધારો કર્યો છે ત્યારે તેની અસર બીજે પણ પડે તો નવાઇ નહીં. કારણ કે જે કારણ આપવામાં આવી રહ્યુ છે તે બધે જ લાગુ પડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp