યોગી સરકારના મંત્રી નંદી પર આરોપ, માફિયા અતીક અહમદના 5 કરોડ પરત નથી આપ્યા

PC: twitter.com

ડોન અતીક અહેમદની બહેન આયેશા નૂરીએ પ્રયાગરાજના મેયર અભિલાષા ગુપ્તા નંદી પર ઉમેશ પાલ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં આયેશાએ કહ્યું કે, તેની ભાભી અને અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનને BSP તરફથી મેયર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવી હતી. ત્યારથી, અભિલાષા શાઇસ્તા પરવીનને તેના માર્ગમાં અવરોધ માને છે. અભિલાષા ગુપ્તા નંદીએ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું, જેથી શાઇસ્તા પરવીન મેયરની ચૂંટણી લડી ન શકે. આયેશાએ UP સરકારમાં મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી પર પણ અનેક આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે, નંદીએ અતિક અહેમદ પાસેથી પાંચ કરોડ રૂપિયા ઉછીના લીધા છે, જે તે પરત કરી રહ્યો નથી. બીજી તરફ, નંદ ગોપાલ ગુપ્તા નંદીએ ટ્વીટ કર્યું કે, આ બાબતો માત્ર મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવવા અને ગેરમાર્ગે દોરવાનો એક નિષ્ફળ પ્રયાસ છે.

UP સરકારના મંત્રી નંદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, 'આ તથ્યહીન, અનિયંત્રિત અને વાહિયાત વાતો છે. તેને મેયરની ચૂંટણી સાથે જોડવી નકામી જ નહીં હાસ્યાસ્પદ પણ છે. CM યોગી સરકાર ગુનેગારો અને માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં પણ કડક કાર્યવાહી આ દિશામાં આગળ વધી રહી છે.'

અગાઉ આયેશાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તે ભાભી શાઈસ્તા પરવીન સાથે ગુજરાત ગઈ હતી, જ્યાં તેની મુલાકાત અતિક અહેમદ સાથે થઈ હતી. તે જ સમયે, અતિકે શાઇસ્તાને કહ્યું હતું કે, નંદીને પાંચ કરોડ રૂપિયા પરત કરવા કહે, જે તેણે અતીક અહેમદ પાસેથી ઉછીના લીધેલા હતા. આયેશાએ STF ઓફિસર અમિતાભ યશ અને પ્રયાગરાજ પોલીસ કમિશનર રવિ શર્મા પર તેને અને અશરફની પત્નીને હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું કે પોલીસ અને STFના અધિકારીઓએ તેને ધમકી આપી હતી કે, અતીક અને અશરફને છોડવામાં આવશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, ગત 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના સુલેમસરાઈ વિસ્તારમાં એડવોકેટ ઉમેશ પાલની ગુનેગારોએ ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યા પાછળ અતીક અહેમદ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. પ્રયાગરાજ પોલીસે એન્કાઉન્ટરમાં બે શૂટરોને ઠાર કર્યા છે.

અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ સહિત 5 શૂટરોની શોધમાં અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરમિયાન, CM યોગી સરકાર અતીક અહેમદને ગુજરાતમાંથી UPની જેલમાં લાવવાની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp