મિઝોરમ ચૂંટણીના 174માંથી 112 ઉમેદવાર કરોડપતિ, જાણો કઇ પાર્ટીના નેતા સૌથી અમીર

PC: indiatvnews.com

મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો સાથે સંબંધિત એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. 174માંથી કુલ 112 ઉમેદવાર કરોડપતિ છે. ઉમેદવારોની એફિડેવિટ મુજબ, 64.4 ટકા ઉમેદવારો પાસે એક કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ છે. અમીરોની લિસ્ટમાં પહેલા નંબર પર જો કોઈનું નામ છે તો આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ એન્ડ્ર્યુ લાલરેમકિમા પચુઆઉનું છે. તેમની પાસે લગભગ 69 કરોડ રૂપિયાની ઘોષિત સંપત્તિ છે. તેઓ આઇઝોલ-III મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે.

ત્યારબાદ સેરછીપ સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર આર. વનલાલટ્લુઆંગા 55.6 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા નંબર પર છે. તો ચમ્ફાઇ નૉર્થથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા જોરમ પીપલ્સ મૂવમેન્ટના એચ. ગિન્જાલાલા 36.9 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે. એફિડેવિટ મુજબ, સેરછીપ સીટથી આ ઉમેદવાર રામહ્લુન એડેના સૌથી ગરીબ છે. તેમની પાસે 1500 રૂપિયાની ચલ સંપત્તિ છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા એફિડેવિટમાં લોંગતલાઇ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર જે.બી. રૂઆલછિંગાએ ભૂલથી પોતાની સંપત્તિ 90.32 કરોડ રૂપિયા જાહેર કરી છે. પાર્ટીએ ચૂંટણી વિભાગમાં સુધાર કરવાનો અનુરોધ કર્યો છે.

આ અગાઉ વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના ઉમેદવાર લાલરિનેંગા સાઈલો (હાચ્ચેક) 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર હતા. ત્યારબાદ બીજા નંબર પર MNFના રોબર્ટ રોમાવિયા રોયતે (આઇઝોલ પૂર્વ-II) હતા, તેમની પાસે 44 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જો કે, આ વખત સાઈલોની સંપત્તિ ખૂબ ઓછી થઈને 26.24 કરોડ રૂપિયા અને રોયતેની 32.24 કરોડ રૂપિયા રહી ગઈ છે.

16 મહિલા ઉમેદવારોમાંથી લંગલેઇ દક્ષિણ સીટથી કોંગ્રેસના ઉમેદવાર મરિયમ એલ. હ્રાંગચલ 18.63 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર છે. MNF અધ્યક્ષ અને મુખ્યમંત્રી જોરમથાંગા 5 કરોડ રૂપિયા સાથે પ્રતિસ્પર્ધી રાજનીતિક પાર્ટીના અધ્યક્ષોમાં સૌથી અમીર છે. ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા પાસે 4 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તો મિઝોરમ કોંગ્રેસ અધ્યક્ષ લાલસાવતા (આઇઝોલ પશ્ચિમ-III) પાસે 6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એ સિવાય ભાજપ અધ્યક્ષ વનલાલહમુઅકા (ડમ્પા) પાસે 31.31 લાખ રૂપિયાની સંપત્તિ છે.

આ પાર્ટીઓના નેતાઓ પર કેસ:

5 ઉમેદવારોમાંથી 3 ZPM તેમજ MNF અને ભાજપના 1-1 ઉમેદવાર પર ગુનાહિત કેસ પેન્ડિંગ છે. જો વર્ષ 2018નું ચૂંટણીની વાત કરીએ તો જોરમથાંગા અને પૂર્વ મુખ્યમંત્રી લાલ થનહાવાલા સહિત 9 ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ હતા. તૂઈચાંગ સીટ પરથી બીજી વખત ચૂંટણી લડી રહેલા નાયબ મુખ્યમંત્રી તાવનપુઇ ઉમેદવારોમાં સૌથી મોટા છે. તેઓ 80 વર્ષના છે. 31 વર્ષીય મહિલા ઉમેદવાર લાલરૂઆતફેલી હ્લાવંડો જેઓ બે સીટ પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપના ઉમેદવાર એફ. વાનહમિંગથાંગા સૌથી ઓછી ઉંમરના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp