રામ મંદિર પછી માતા સીતાનું જન્મસ્થળ હવે ભવ્ય બનશે, 72 કરોડના ખર્ચની મંજૂરી

PC: apnabihar.co.in

એક તરફ અયોધ્યામાં શ્રી રામલલા જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ પર વિશ્વની નજર છે. તો બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાનકી દેવીનું જન્મસ્થળ બિહારના સીતામઢીમાં આવેલું છે. પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ અહીં છે, પરંતુ હવે તેને વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરના વિકાસ માટે 72 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મંગળવારે CM નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના પ્રવાસન વિભાગે કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. બેઠક વિશે બોલતા, કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ S. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, 'કેબિનેટે સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ જાનકી મંદિરના વિકાસ માટે રૂ. 72.47 કરોડ મંજૂર કર્યા છે, અહીં દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી તીર્થયાત્રીઓ આવતા હોય છે.'

આ પ્રોજેક્ટ હેઠળ નીતિશ સરકાર સીતામઢી જિલ્લામાં 'સીતા-વાટિકા', 'લવ-કુશ વાટિકા' વિકસાવશે. આ ઉપરાંત 'પરિક્રમા' માર્ગનું નિર્માણ કરવામાં આવશે. ડિસ્પ્લે કિઓસ્ક, કાફેટેરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવશે. કેબિનેટ સચિવના જણાવ્યા અનુસાર, અહીં આવતા તમામ કનેક્ટિવિટી રોડને જોડવામાં આવશે અને આ તીર્થસ્થળને પણ વહેલી તકે વિકસાવવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત, સ્થળની આસપાસ થીમેટિક ગેટ અને પાર્કિંગ વિસ્તારો પણ બનાવવામાં આવશે. આ સિવાય કેબિનેટે ગયાજી ધામમાં શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાના નિર્માણ માટે 120.15 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપી છે.

ગયાના વિષ્ણુપદ મંદિરમાં દર વર્ષે પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારે ભીડ રહેતી હોય છે. વિષ્ણુપદ મંદિરમાં લાખો લોકો પિંડદાન વિધિ કરવા આવે છે. તેને જોતા સરકારે 1000 બેડની ધર્મશાળા બનાવવાનો નિર્ણય લીધો છે.

પટનાના મહાવીર મંદિરના વડા આચાર્ય કિશોર કુણાલે પણ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ કામ પહેલા થઈ જવું જોઈતું હતું, કારણ કે માતા સીતા વિના ભગવાન રામ અધૂરા છે. તેમણે કહ્યું કે, સીતામઢીની ઘણી ઉપેક્ષા કરવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે, રામ મંદિરના નિર્માણની સાથે સાથે સીતામઢીમાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ શરૂ કરવામાં આવે, જેથી અયોધ્યા અને સીતામઢી વિશ્વના નકશા પર આધ્યાત્મિક શહેર તરીકે સ્થાપિત થઈ શકે. કિશોર કુણાલનું કહેવું છે કે, રામ રસોઈ મહાવીર મંદિર તરફથી અયોધ્યામાં ચલાવવામાં આવી રહી છે, જ્યારે સીતામઢીમાં સીતા રસોઈ ચલાવવામાં આવી રહી છે. અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે સીતા રસોઈમાંથી ભોજન પીરસવામાં આવે છે. તેમણે કહ્યું કે, સીતામઢીમાં ભવ્ય જાનકી મંદિરના નિર્માણથી તે ગૌરવ ફરી પ્રાપ્ત થશે, જે ક્યાંકને ક્યાંક ભુલાવી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp