વકીલના યુનિફોર્માંમાં કોર્ટની બહાર જ મુખ્તાર અંસારીના પંટરની હત્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારીના નજીકના મિત્રને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યારા વકીલના પોશાક પહેરીને આવ્યા હતા અને કોર્ટની બહાર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ફાયરિંગમાં એક બાળકી અને એક મહિલાને પણ ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ એક શૂટરની ધરપકડ કરવામાં આવી છે.આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરની ઓળખ જૌનપુરના કેરાકટનો રહેવાસી વિજય યાદવ તરીકે થઇ છે.
લખનૌ કોર્ટમાં આજે મોટો શૂટઆઉટ થયો હતો. ઉત્તર પ્રદેશના પૂર્વ ઉર્જા મંત્રી અને ભાજપના મજબુત નેતા ગણાતા બ્રહ્મદત્ત દ્વિવેદી હત્યા કેસના આરોપી સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બ્રહ્મદત્ત દ્વિવેદી એ જ નેતા હતા જેમણે ગેસ્ટહાઉસ ઘટનામાં UPના મુખ્યમંત્રી માયાવતીને બચાવ્યા હતા.
સંજીવ જીવા માફિયા મુખ્તાર અંસારીનો નજીકના ગણાતો હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીનો કુખ્યાત ગુનેગાર હતો, જે કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. તેણે એકવાર પોતાના બોસનું અપહરણ કર્યું હતું. પશ્ચિમ યુપીનો કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા હાલમાં લખનૌ જેલમાં બંધ હતો. તાજેતરમાં તેની મિલકત પણ વહીવટીતંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશનો પશ્ચિમી વિસ્તાર જેટલો ખેતી માટે પ્રખ્યાત છે એટલોજ ગેંગસ્ટર અને ક્રિમીનલ માટે પણ કુખ્યાત છે. ભાટી ગેંગ, બદન સિંહ બદ્દો, મુકિમ કાલા ગેંગ અને ન જાણે કેટલા ગુનેગારો વચ્ચે સંજીવ મહેશ્વરીનું નામ પણ અપરાધની દુનિયામાં આગળ આવ્યું હતું. 90ના દાયકામાં સંજીવ મહેશ્વરીએ પોતાનો ડર પેદા કરવાનું શરૂ કર્યું, પછી ધીમે-ધીમે તે પોલીસ અને સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની ગયો હતો.
તાજેતરમાં, સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાની ગેંગનો એક વ્યક્તિ શામલી પોલીસના હાથે એકે-47, 1300 કારતૂસ અને ત્રણ મેગેઝીન સાથે ઝડપાયો હતો. શામલી પોલીસે રસ્તામાં તપાસ કરતા અનિલ નામના વ્યક્તિને પકડી લીધો હતો. વાસ્તવમાં જીવા મુઝફ્ફરનગરનો રહેવાસી છે. શરૂઆતના દિવસોમાં તે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.એ દરમિયાન તેણે દવાખાનાના સંચાલકનું જ અપહરણ કરી લીધું હતું.
આ ઘટના બાદ તેણે 90ના દાયકામાં કોલકાતાના એક બિઝનેસમેનના પુત્રનું પણ અપહરણ કર્યું હતું અને 2 કરોડની ખંડણી માંગી હતી. તે સમયે કોઈની પાસેથી 2 કરોડની ખંડણી માંગવી પણ એક મોટી વાત હતી. આ પછી જીવા હરિદ્વારની નાઝીમ ગેંગમાં પ્રવેશ્યો અને પછી સતેન્દ્ર બરનાલા સાથે જોડાયો, પરંતુ તેને પોતાની ગેંગ બનાવવાની તાલાવેલી હતી.
જીવાનું નામ 10 ફેબ્રુઆરી 1997ના રોજ ભાજપના મજબૂત નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં સામે આવ્યું હતું. જેમાં જીવાને બાદમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ જીવા થોડા દિવસો પછી મુન્ના બજરંગી ગેંગમાં પ્રવેશ્યો અને મુખ્તાર અંસારી સાથે સંપર્કમાં આવ્યો. એવું કહેવાય છે કે મુખ્તારને અત્યાધુનિક શસ્ત્રોનો શોખ હતો, જ્યારે જીવા પાસે શસ્ત્રો એકત્ર કરવાનું મોટું નેટવર્ક હતું. તેથી જ તેને અન્સારીનું રક્ષણ મળ્યું અને પછી કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં જીવાનું નામ આવ્યું.
જો કે, વર્ષ 2005માં થયેલી કૃષ્ણાનંદ રાયની હત્યામાં કોર્ટે જીવા અને અંસારીને નિદોર્ષ છોડી મુક્યા હતા. જીવાની સામે 22 પોલીસ કેસ નોંધાયેલા છે.જેમાંથી 17 કેસમાં તે છુટી ગયો હતો. સંજીવ જીવાની ગેંગમાં 35 માણસો હતા અને જેલમાંથી બેઠા બેઠા પણ તે ગેંગ ઓપરેટ કરતો હોવાનો આરોપ હતો.
જીવા વર્ષ 2017માં ઉદ્યોગપતિ અમિત દીક્ષિત ઉર્ફે ગોલ્ડીની હત્યા કેસમાં પણ આરોપી હતો, જેમાં તપાસ બાદ કોર્ટે જીવા સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે જીવા હાલમાં લખનૌ જેલમાં બંધ છે, પરંતુ વર્ષ 2021માં જીવાની પત્ની પાયલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખીને કહ્યું હતું કે જીવાની જાન જોખમમાં છે.પાયલે 2017માં RLDની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી અને હાર થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp