હૈદરાબાદમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, લિવઇન પાર્ટનરે પ્રેમિકાના ટુકડાં કરી ફેંક્યા

PC: telegraphindia.com

દિલ્હીમાં થયેલા શ્રદ્ધા વાલ્કર હત્યાકાંડને હવે હૈદરાબાદમાં ફરી રીપિટ કરવામાં આવ્યો છે. અહીં પણ એક વ્યક્તિએ પતાની લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી દીધી અને તેના શરીરને પથ્થર કાપવાના મશીનથી ટુકડાંમાં કાપીને અલગ-અલગ જગ્યાઓ પર ફેંકી દીધા. એક મર્ડર કેસની તપાસ કરતા પોલીસની તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે, આરોપીએ મૃતકના પગ અને હાથ પોતાના ઘરના રેફ્રિજરેટરમાં રાખ્યા હતા અને દુર્ગંધથી બચાવવા માટે જંતુનાશક અને અત્તરનો છંટકાવ કર્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ અનુસાર, હૈદરાબાદ પોલીસને 17 મેના રોજ શહેરમાં મુસી નદી પાસે એક કપાયેલા માથા વિશે જાણકારી મળી. પોલીસે આ મામલાની તપાસ કરી ત્યારે બુધવારે ચોંકાવનારો મામલો સામે આવ્યો. 48 વર્ષીય આરોપી ચંદ્ર મોહનના 55 વર્ષીય કૃતિકા યારમ અનુરાધા રેડ્ડી સાથે છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સંબંધ હતા. પોતાના પતિથી અલગ રહેતી મહિલા ચંદ્ર મોહન સાથે દિલસુખનગર સ્થિત ચૈતન્યપુરી કોલોનીમાં તેના ઘરમાં સાથે રહેતી હતી.

કૃતિકા 2018થી વ્યાજ પર જરૂરિયાતમંદોને પૈસા ઉધાર આપવાનો બિઝનેસ કરતી હતી. આરોપીએ પણ ઓનલાઇન વેપાર કરવા માટે મૃતક પાસેથી આશરે 7 લાખ રૂપિયા લીધા હતા અને એ જ પૈસાએ બંને વચ્ચે વિવાદ ઊભો કરી દીધો. પૈસા માટે મહિલા દ્વારા દબાણ કરાતા આરોપીએ તેને મારવાનો પ્લાન બનાવી લીધો. 12 મેના રોજ આરોપીએ તેના ઘરે ઝઘડો કર્યો અને તેના પર ચપ્પૂથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યા કર્યા બાદ આરોપીએ શવને ટુકડાંઓમાં કાપીને તેનો નિકાલ કરવા માટે પથ્થર કાપવાના બે નાના મશીનો ખરીદ્યા. તેણે ધડથી માથાને કાપીને અલગ કરી કાળી પોલિથિનમાં મુકી દીધુ. પછી તેણે તેના પગ અને હાથ અલગ કરી દીધા અને તેને ફ્રિઝમાં મુકી દીધા.

15 મેના રોજ તે મૃતકનું માથુ મુસી નદીની પાસે એક ઓટોરિક્શામાં લાવીને ત્યાં ફેંકી ગયો. ત્યારબાદ, આરોપી મોહને ફિનાઇલ, ડેટોલ, પરફ્યુમ, અગરબત્તી અને કપૂર ખરીદ્યું અને તેને નિયમિતરીતે મૃતકના શરીરના અંગો પર છાંટ્યુ જેથી આસપસના ક્ષેત્રમાં દુર્ગંધ ના ફેલાય. તેણે ઓનલાઇન વીડિયો જોઈને બોડી પાર્ટ ડિસ્પોઝ કરવાની રીતો જોઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, તે મૃતકના મોબાઇલ ફોનથી તેના ઓળખીતા લોકોને એવો વિશ્વાસ અપાવવા માટે મેસેજ મોકલતો રહ્યો કે તે જીવિત છે અને ક્યાંક બીજે રહે છે. પરંતુ, 17 મેના રોજ મુસી નદી પાસે અફજલ નગર કોમ્યુનિટી હોલની સામે કચરો ફેંકવાની જગ્યા પર સફાઈ કર્મચારીઓને કપાયેલું માથુ મળ્યું, ત્યારબાદ પોલીસે મામલો દાખલ કર્યો અને તેને સોલ્વ કરવા માટે આઠ ટીમો બનાવી હતી.

CCTV ફુટેજનું સ્કેનિંગ અને અન્ય તપાસ કરી પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી અને પોતાનો ગુનો કબૂલ કરાવી લીધો. પોલીસે પીડિતાના શરીરના અંગોને તેના ઘરેથી જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. પોલીસે જણાવ્યું કે, શેરબજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કરતા અપરીણિત બી ચંદ્ર મોહનની આ હત્યાકાંડમાં ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp