મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લવ મેરેજ, મંદિરમાં લીધા સાત ફેરા

ઉત્તર પ્રદેશના શામલીમાં એક મુસ્લિમ યુવતીએ મંદિરમાં હિન્દુ યુવક સાથે સાત ફેરા લીધા છે. મામલો બે અલગ ધર્મનો હોવાના કારણે તંગદિલી સર્જાઈ હતી. જ્યારે, સોમવારે સાંજે બંનેના લગ્ન મંદિરમાં કરાવી દેવામાં આવ્યા હતા. સાથે જ આ મામલો ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે.
શામલી જિલ્લાના ઝીંઝાના વિસ્તારના બે અલગ-અલગ ગામોના અલગ-અલગ ધર્મના પ્રેમી યુગલે નજીકના મંદિરમાં જ લગ્ન કર્યા. આ પહેલા યુવતીએ કોર્ટમાં તેના પ્રેમીની તરફેણમાં નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, તે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે ગઈ હતી અને તેની સાથે જ રહેવા માંગે છે.
થોડા દિવસો પહેલા આ વિસ્તારના એક ગામની યુવતી નજીકના ગામના અન્ય ધર્મના યુવક સાથે ભાગી ગઈ હતી. યુવતીના પરિવારજનોએ યુવક પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી પોલીસે યુવતીને શોધી કાઢી હતી. આ દરમિયાન યુવતીના સંબંધીઓએ તે યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારે યુવતીએ યુવક સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ પ્રેમ લગ્ન કરી લીધા હતા. પોલીસનું કહેવું છે કે, યુવતીએ કોર્ટમાં યુવકની તરફેણમાં નિવેદન આપ્યું છે. બંનેને સાથે રહેવા માટે મોકલી આપવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનના આગેવાનોના જણાવ્યા અનુસાર, યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા છે, બંને સુરક્ષિત છે.
હવે જ્યારે મુસ્લિમ પ્રેમિકાએ તેના હિન્દુ પ્રેમી સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તન કરીને મંદિરમાં લગ્ન કરી લીધા છે ત્યારે, હવે પ્રેમિકાના સંબંધીઓ તરફથી આ નવપરિણીત યુગલના જીવ પર ખતરો ઉભો થયો છે અને પ્રેમી યુગલે પોલીસ પ્રશાસનને સુરક્ષા માટે વિનંતી કરી છે.
આખી હકીકત એ છે કે, શામલી જિલ્લાના ઝીંઝણા પોલીસ સ્ટેશનના ગુર્જરપુર ગામના મછરૌલી ગામનો એક યુવક રૂપક ચૌધરી ગામમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. આ જ ગામમાં રહેતા શાહનુમના પરિવાર સાથે ડો.રૂપક ચૌધરીને સંપર્ક હતો. એક દિવસ શાહનુમે રૂપકના નંબર પર હાય મેસેજ મોકલ્યો. ત્યાર પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઇ અને ધીમે ધીમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. બંને વચ્ચે લગભગ દોઢ વર્ષ સુધી પ્રેમસંબંધ ચાલ્યો હતો અને ત્યારપછી 3 દિવસ પહેલા ગામથી ભાગીને શામલીના બળેવ ગામમાં લગ્ન કરી લીધા હતા. આટલું જ નહીં, યુવતી શાહનુમે પોતાનું નામ બદલીને શાલિની કરી દીધું. સોમવારે કૈરાનાની જુનિયર ડિવિઝન કોર્ટમાં શાહનુમ ઉર્ફે શાલિનીના નિવેદન નોંધવામાં આવ્યા હતા, અને ત્યાંથી શાહનુમ ઉર્ફે શાલિનીને તેના પતિ રૂપક ચૌધરી સાથે મોકલી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp