હરિદ્વારમાં હિંદુ બનીને રેસ્ટોરાં ચલાવી રહ્યો હતો મુસ્લિમ વ્યક્તિ, આ રીતે થઈ ઓળખ

PC: etvbharat.com

ઉત્તરાખંડના ધાર્મિક શહેર હરિદ્વારમાં સ્થિત હર કી પૌડી હિંદુઓનો એક પ્રસિદ્ધ ધાર્મિક સ્નાન ઘાટ છે. આ પવિત્ર સ્નાન ઘાટ ગંગાજીના તટ પર સ્થિત છે જ્યાં ગંગા માતા પહાડોને છોડીને હરિદ્વારથી જ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે, આ પવિત્ર ધાર્મિક નદીમાં આસ્થાની ડૂબકી લગાવવાથી માણસના તમામ પાપ ધોવાઈ જાય છે. આ જ હર કી પૌડીની પાસે અનેક હિંદુઓ ભોજનાલય ચલાવીને આવક મેળવે છે. હર કી પૌડી પાસે તીર્થયાત્રિઓ માટે ભોજનાલય ચલાવવા માટે પોતાની ઓળખ છૂપાવીને અને અલગ નામ રાખવાના આરોપમાં મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હિંદુ ધાર્મિક સ્થળોનું પ્રબંધન જોનારા એક વિભાગના અધિકારીએ આ જાણકારી આપી છે. હર કી પૌડીનું પ્રબંધન જોનારા ગંગા સભાના પદાધિકારી ઉજ્જવલ પંડિતે જણાવ્યું કે, સભાએ વ્યક્તિને પકડીને પોલીસને સોંપી દીધો છે. પંડિતે કહ્યું કે, નગર પાલિકાના ઉપનિયમો અનુસાર, હર કી પૌડી ક્ષેત્રમાં હિંદુ ના હોય તેવા વ્યક્તિ પ્રવેશ ના કરી શકે. પોલીસ અધિક્ષક (નગર) સ્વતંત્ર કુમારે કહ્યું કે, વ્યક્તિ કસ્ટડીમાં છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પંડિતે દાવો કર્યો કે, આરોપીએ પોતાની ધાર્મિક ઓળખ છૂપાવવા માટે હિંદુ નામ ધારણ કરી લીધુ હતું.

તેમણે દાવો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાનું નામ ચુન્નૂ જણાવ્યું હતું પરંતુ, તેના આધાર કાર્ડમાં તેના પિતાનું નામ મોહમ્મદ મુનીર લખ્યું હતું. તેમણે જણાવ્યું કે, આધાર કાર્ડ પરથી જાણકારી મળી કે તે ઉત્તર પ્રદેશના મઉનો રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ હર કી પૌડીમાં ઘણા હિંદુઓ ના હોય તેવા લોકો પોતાની ઓળખ છૂપાવીને દુકાન ચલાવતા પકડાઈ ગયા છે. ગત મહિને ગંગા સભાના પદાધિકારીઓએ ત્રણ એવા લોકોને પકડ્યા હતા. જ્યારે તેમને નામ પૂછવામાં આવ્યું તો તેમણે પોતાના હિંદુ નામ જણાવ્યા પરંતુ, જ્યારે તેમના આધાર કાર્ડની તપાસ કરવામાં આવી તો એકનું નામ અજમલ, બીજાનું નામ આસિફ અને ત્રીજાનું નામ કલ્લન અહમદ મળી આવ્યું હતું. બાદમાં ગંગા સભાના લોકોએ તે ત્રણેયને પકડીને પોલીસને સોંપી દીધા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp