26th January selfie contest

સિદ્ધુની પત્નીને કેન્સર, પતિને ટ્વીટમા લખ્યું-સ્ટેજ 2 છે, તમારી રાહ નથી જોઈ શકતી

PC: tribuneindia.com

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ કેન્સરની બીમારીથી ગ્રસ્ત થઈ ગઈ છે. આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે નવજોત સિંહ સિદ્ધુને ન મળનારા ન્યાય વિશે પણ લખ્યુ છે. જણાવી દઈએ કે, સિદ્ધુ રોડ રેજના મામલામાં એક વર્ષની સજા કાપી રહ્યા છે અને હાલ પટિયાલાની સેન્ટ્રલ જેલમાં બંધ છે.

નવજોત કૌરે પતિ નવજોત સિંહ સિદ્ધુ માટે લખ્યું, તમને વારંવાર ન્યાયથી વંચિત થતા જોઈ તમારી રાહ જોઈ. સત્ય એટલું તાકતવર હોય છે પરંતુ, વારંવાર તમારી પરીક્ષા લે છે. કલયુગ. સોરી, તમારી રાહ નથી જોઈ શકતી કારણ કે, આ સ્ટેજ-2નું આક્રામક કેન્સર છે. કોઈને દોષ ના આપવો જોઈએ કારણ કે, આ ભગવાનની યોજના છેઃ પરફેક્ટ.

રોડ રેજના 34 વર્ષ જુના મામલામાં સુપ્રીમ કોર્ટે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની સજા સંભળાવી હતી. 1998માં પંજાબમાં થયેલી રોડ રેજની એક ઘટનામાં સિદ્ધુના મુક્કાના પ્રહારથી એક વૃદ્ધનું મોત થઈ ગયુ હતું. આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલા સિદ્ધુને ઈરાદાવિના હત્યામાંથી નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ, આ મામલામાં રિવ્યૂ પિટીશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. સજા મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ 20 મેના રોજ સરેન્ડર કરી દીધુ હતું.

નવજોત સિંહ સિદ્ધુએ કમેન્ટ્રી અને ટીવીમાં ખૂબ જ નામના મેળવી છે. તેઓ પંજાબના પર્યટન મંત્રી, સાંસ્કૃતિક મામલા અને સંગ્રહાલય મંત્રી પણ રહી ચુક્યા છે. અમૃતસરથી લોકસભા સભ્ય રહેલા સિદ્ધુની અસલી ઓળખ ક્રિકેટ દ્વારા છે. નવજોત સિંહ સિદ્ધુના પિતા સરદાર ભગવંત સિંહ ક્રિકેટર હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો પણ તેમની જેમ ખેલાડી બને. પિતાની ઈચ્છા પૂરી કરવા સિદ્ધુએ 1983માં ભારતીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ રમી. સિદ્ધુએ કુલ 51 ટેસ્ટ મેચ અને 136 વનડે મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 3202 અને વનડેમાં 4413 રન બનાવ્યા છે. આશરે 17 વર્ષ બાદ 1999માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો.

નવજોત સિંહ સિદ્ધએ ક્રિકેટ બાદ ટીવીના નાના પડદા પર પણ પોતાની છાપ છોડી. કમેન્ટ્રી કરવા ઉપરાંત, નવજોત રિયાલિટી શો બિગ બોસનો પણ હિસ્સો રહ્યા છે. ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ અને કપિલ શર્મા શોનો પણ હિસ્સો રહ્યા. આ ઉપરાંત, તેમણે ‘મુજસે શાદી કરોગી’ અને ‘એબીસીડી 2’ ફિલ્મમાં કેમિયો કર્યો. પંજાબી ફિલ્મ મેરા પિંડ માં પણ તેમણે એક્ટિંગ કરી છે.

સિદ્ધુએ પોતાના રાજકીય સફરની શરૂઆત 2004માં કરી હતી. BJPના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ 2004માં સિદ્ધુને BJPમાં સામેલ કર્યા હતા. સિદ્ધુ BJPમાં રહેવા દરમિયાન પણ અને તેને છોડ્યા બાદ પણ હંમેશાં જેટલીને જ પોતાના રાજકીય ગુરુ માનતા રહ્યા. 2004માં જ તેમણે પહેલીવાર અમૃતસર લોકસભા સૂટ પરથી BJPની ટિકિટ પર ચૂંટણી લડી અને કોંગ્રેસના કદ્દાવર નેતા રઘુનંદન લાલ ભાટિયાને 109532 વોટોથી હરાવી દીધા હતા. 2017માં સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા, ત્યારબાદ એ જ વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પૂર્વી અમૃતસર સીટ પરથી તેમણે 42809 વોટથી ચૂંટણી જીતી હતી. નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp