26th January selfie contest

6 નાઇજીરિયનોના પ્રેમમાં પડી 700 ભારતીય મહિલાઓ અને આ રીતે બની છેતરપિંડીનો શિકાર

PC: postsen.com

નોયડાના સેક્ટ-20 પોલીસ સ્ટેશનના પોલીસે એક વિદેશી નાગરિકોની ગેંગનો ભાંડાફોડ કર્યો છે. આ ગેંગમાં સામેલ વિદેશી સહિત 8 લોકો ભારતીય મહિલાઓને ચેટિંગ એપ દ્વારા પોતાની વાતોમાં ફસાવીને છેતરપિંડીનો શિકાર બનાવતા હતા. પોલીસે તેમના કબ્જામાંથી 5 પાસપોર્ટ, 1 આધાર કાર્ડ, 1 પાનકાર્ડ, 1 વોટર આઈડી કાર્ડ, 1 બેંક પાસબુક પણ જપ્ત કરી છે. પોલીસને એક ફરિયાદ મળી હતી કે ચેટિંગ એપ દ્વારા વાત કરનારા તેના ફ્રેન્ડે ગિફ્ટના કસ્ટમ ચાર્જના નામ પર તેની સાથે છેતરપિંડી કરી છે. પોલીસે મામલાની તપાસ બાદ 6 નાઇજીરિયન યુવક અને એક નાઇજીરિયન મહિલા તેમજ એક ભારતીય મહિલાની ધરપકડ કરી. આ લોકોએ બે-ચાર નહીં પરંતુ, આશરે 700 મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં આ લોકોએ જણાવ્યું કે ડેટિંગ એપ દ્વારા આ લોકો ભારતીય મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ કરતા હતા. તેઓ પોતાને નેવી ઓફિસર જણાવીને વિશ્વાસ જીતતા હતા. તેના માટે આ લોકો ગૂગલ પરથી નેવી ઓફિસરનો ફોટો લઈ પ્રોફાઇલ પર લગાવતા હતા. તેમના દ્વારા મહિલાઓને ગિફ્ટ અથવા વિદેશી કેશ મોકલવાની વાત કરવામાં આવતી હતી. આરોપી પાર્સલના ફોટા મોકલીને વિશ્વાસ જીતતા હતા. પોલીસે જણાવ્યું કે, આરોપી તેના થોડાં દિવસ બાદ મહિલાઓને કોલ કરીને કહેતા કે તમારા માટે મોંઘી ગિફ્ટ અને વિદેશી યૂરો મોકલ્યા છે પરંતુ, તેની કસ્ટમ ડ્યૂટી જમા કરાવવી પડશે. ભારતીય મહિલા કસ્ટમ ઓફિસર બનીને મહિલાઓ સાથે વાત કરી પૈસા માંગતી હતી. જાળમાં ફસાઇને મહિલાઓ વિશ્વાસ કરી મોંઘા ગિફ્ટ અને યૂરોની લાલચમાં નકલી કસ્ટમ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલા અકાઉન્ટમાં પૈસા મોકલતી હતી.

એડિશનલ DCP શક્તિ અવસ્થીએ જાણકારી આપતા જણાવ્યું કે, આ લોકો મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ કરીને મોંઘા ગિફ્ટ અને કેશ મોકલવાની વાત કરતા હતા. ભારતીય મહિલા વાત કરીને પોતાને કસ્ટમ ઓફિસર જણાવીને કસ્ટમ ડ્યૂટીની રકમ માંગતી હતી. તેના દ્વારા એક મહિલા પાસેથી 50થી 60 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. હાલ, તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓ આ રીતે મહિલાઓને ફસાવતા હતા

આરોપીઓની એક સંગઠિત ગેંગ છે, તેઓ મૂળ આફ્રિકાના નાઇજીરિયા/ ઘાના/ આબિદજાન દેશના નિવાસી છે. તેઓ ભારતમાં 2021માં ભણવા અને સારવારના વિઝા પર આવ્યા હતા. તેમના વિઝાની સમય અવધિ 2021ના 6 મહિના બાદ જ પૂરી થઈ ગઈ હતી. તેમ છતા તેઓ પોતાના દેશ ના ગયા અને ભારતમાં રહીને સંગઠિત અપરાધ કરવા લાગ્યા.

આરોપી ભારતીય છોકરીઓ સાથે નકલી નામથી ઇન્સ્ટાગ્રામ વગેરે એપ દ્વારા વાતચીત કરતા હતા. પછી તેમને વિશ્વાસમાં લઈને પર્સનલ નંબર મેળવી વાતચીત કરતા હતા. પછી આ યુવતીઓ તેમજ મહિલાઓ પાસે તેમનું એડ્રેસ લઇ તેમના એડ્રેસ પર નકલી ગોલ્ડ જ્વેલરી, મોંઘી ઘડિયાળ, ફોન વગેરે સામાન મોકલવાનું નાટક કરી મહિલાઓને અંધારામાં રાખી તેમની પાસેથી ઘણા પ્રકારની કસ્ટમ ડ્યૂટી/ ટેક્સ વગેરેના રૂપમાં પૈસાની છેતરપિંડી કરતા હતા.

આરોપીઓ દ્વારા ફેસબુક/ ઇન્સ્ટાગ્રામ એપ દ્વારા લોકોના નંબર મેળવી લોકો સાથે ફોન તેમજ ચેટિંગ એપ દ્વારા મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ કરી, પોતાનો નકલી ફોટો મોકલીને તેમને આકર્ષિત કરી વિશ્વાસમાં લઇને નેવીમાં કેપ્ટન હોવાનું જણાવીને મહિલાઓ સાથે ફ્રેન્ડશિપ કરી લેતા. ત્યારબાદ યોજના અનુસાર, મહિલા મિત્રનું એડ્રેસ મેળવી તેમના એડ્રેસ પર નકલી ગિફ્ટ મોકલવાનો દેખાડો કરતા પરંતુ, મોકલતા નહીં.

ત્યારબાદ તેમની બીજી મહિલા સાથી મહિલા કસ્ટમ અધિકારી બનીને, મહિલા મિત્રોને ફોન કરીને જણાવતી કે તમારા મિત્ર દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાં ભારે માત્રામાં વિદેશી કરન્સી અને દાગીના છે, જેની કસ્ટમ ડ્યૂટી આપવી પડશે. જો તમે કસ્ટમ ટેક્સ પે કરશો તો તમારું પાર્સલ મોકલી દેવામાં આવશે.

આરોપીઓ દ્વારા સિક્કિમની મહિલાને કસ્ટમ અધિકારીના રૂપમાં રજૂ કરતા હતા કારણ કે, તેને હિંદી બોલતા આવડતું હતું. આથી તે મહિલા મિત્રો સાથે હિંદીમાં વાતચીત કરી ઠગતી હતી.

આરોપીઓ દ્વારા મહિલાઓ સાથે ઉપર જણાવેલ રીતથી અપરાધોને લગભગ 1 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું હતું. તેના દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી આશરે 600-700 મહિલાઓ સાથે મિત્રતા કરી આ અપરાધ કરવામાં આવ્યો છે.

DSP શક્તિ અવસ્થીએ જણાવ્યું કે, સેક્ટર 39 પોલીસે પણ આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આ તમામ માસૂમ લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં છેતરપિંડીનો શિકાર બનાવતા હતા. અત્યારસુધી આ લોકોએ દિલ્હી એનસીઆરમાં 50 કરતા વધુ ઘટનાઓને અંજામ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp