હરિદ્વારના મંદિરોમાં ટૂંકા વસ્ત્રોમાં પ્રવેશ નહીં, હર કી પૌડી પર બુટ ચપ્પલ નહિ..

આપણા દેશમાં આપણી ઈચ્છા મુજબ યોગ્ય કપડાં પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ જ્યારે ધાર્મિક સ્થળોની વાત આવે છે ત્યારે તે સ્થાનનું મહત્વ જાળવી રાખવાની જવાબદારી આપણી બની જાય છે. હવે ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ આવો જ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાંના મંદિરોમાં ટૂંકા કે અમર્યાદિત વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને શરીરનો 80 ટકા ભાગ ઢાંકીને મંદિરોમાં દર્શન કરવા આવવા માટે અપીલ કરવામાં આવી છે. જો આમ ન કરશો તો તમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ હરિદ્વારના મંદિરોમાં આ પ્રતિબંધની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મંદિરો કે અન્ય તીર્થસ્થાનો એ આધ્યાત્મિક સાધનાના સ્થાનો છે. ત્યાં જવા માટે વ્યક્તિએ યોગ્ય કપડાં પહેરવા જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો તે યાત્રાધામો પિકનિક સ્પોટમાં ફેરવાઈ જશે. આમ પણ કોઈપણ રીતે, ભારતીય સંસ્કૃતિમાં, આ પ્રકારનું અંગ પ્રદર્શન સારું માનવામાં આવતું નથી.
તેમણે કહ્યું કે, જો કોઈ ભક્ત હરિદ્વારના મંદિરોના દર્શન કરવા માંગે છે તો તેના શરીરનો 80 ટકા ભાગ કપડાથી ઢાંકવો જોઈએ. જો તેઓ ટૂંકા પેન્ટ-ટોપ, શોર્ટ્સ અથવા તેના જેવા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે, તો તેમને પ્રવેશ આપતા અટકાવી શકાય એમ છે. મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે, હરિદ્વાર અને ઋષિકેશ ધાર્મિક સ્થળો છે. લોકોએ સમજવું જોઈએ કે, દરેક પવિત્ર સ્થાનની પોતાની ગરિમા અને પરંપરા હોય છે અને આપણે પણ તે પ્રમાણે વર્તવું જોઈએ. જો આપણે મંદિર જેવા પવિત્ર સ્થળે જઈ રહ્યા છીએ, તો આપણું વર્તન અને વસ્ત્રો પણ એ રીતના હોવા જોઈએ.
જિલ્લાના આગેવાનો અને અધિકારીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. હિન્દુ ધર્મગુરુઓના આ નિર્ણય બાદ હરિદ્વારમાં હર કી પૌડી પર બુટ અને ચપ્પલ પહેરવા પર પ્રતિબંધ લગાવવાની પણ તૈયારી ચાલી રહી છે. આ માટે વિવિધ સ્થળોએ બુટ ચપ્પલના સ્ટોલ બનાવવામાં આવશે. જ્યાં લોકો બુટ અને ચપ્પલ ઉતારીને હર કી પૌડી પર જઈ શકશે. આ માટે જિલ્લા વહીવટીતંત્ર તેના તરફથી સુવિધાઓ ગોઠવવામાં વ્યસ્ત છે.
લોકોને સખત ગરમી અને ઠંડીથી બચાવવા માટે હર કી પૌડી પર પ્લાસ્ટીકની કાર્પેટ પાથરવામાં આવશે. હાલ હર કી પૌડીના બ્રહ્મા કુંડમાં બુટ અને ચપ્પલ પહેરવા પર પ્રતિબંધ છે. અન્ય સ્થળોએ, લોકો બુટ અને ચપ્પલ પહેરીને જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp