- National
- ન નોકરી, ન ધંધો, પહેલીવાર ચૂંટણી લડી રહેલી શાઝિયા પાસે 1600 કરોડની સંપત્તિ
ન નોકરી, ન ધંધો, પહેલીવાર ચૂંટણી લડી રહેલી શાઝિયા પાસે 1600 કરોડની સંપત્તિ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. ગુરુવારથી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. નોમિનેશનના પ્રથમ દિવસે એવા ઉમેદવારે ફોર્મ ભર્યું, જેનું ફોર્મ જોઈને સૌની આંખો ખુલી ગઈ હતી. ચિકપેટ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર એક મહિલાએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. તે 100 કે 200 કરોડ નહીં પણ 1622 કરોડ રૂપિયાની માલિક છે. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે, આ મહિલા ઉમેદવાર ન તો બિઝનેસમેન છે અને ન તો કોઈ નોકરી કરે છે. તેનું નામ શાઝિયા તરન્નમ છે. 37 વર્ષની શાઝિયા ગૃહિણી છે. શાઝિયા તરન્નુમ કોંગ્રેસના નેતા યુસુફ શરીફ ઉર્ફે KGF બાબુની પત્ની છે. હાલમાં યુસુફ કોંગ્રેસમાંથી ટીકીટ ન મળવાથી ગુસ્સે છે.
37 વર્ષીય શાઝિયા તરન્નુમ કર્ણાટક વિધાનસભા ચૂંટણી લડવા માટે કદાચ સૌથી ધનિક ઉમેદવાર હશે. તેણે કર્ણાટકના આરોગ્ય મંત્રી K સુધાકર અને ઉદ્યોગ મંત્રી મુરુગેશ નિરાનીને પણ પાછળ છોડી દીધા છે. K સુધાકરે ચિકબલ્લાપુરથી અને મુરુગેશે બાગલકોટ જિલ્લાના બિલ્ગીથી નામાંકન ભર્યું છે.
શાઝિયા તરન્નુમ માત્ર 7મા ધોરણ સુધી જ ભણી છે. તે એક સાધારણ ગૃહિણી છે. તેણે કહ્યું, 'મેં મારા પતિની સૂચના પર મારું પેપર ફાઇલ કર્યું હતું. મારી સાથે મારા પતિ અને સેંકડો સમર્થકો છે. તેઓ ઇચ્છતા હતા કે હું ચૂંટણી લડું, તેથી ઉમેદવારી પત્ર ભર્યું છે. જો કે, શાઝિયાનું ચૂંટણીના મેદાનમાંથી હતી જવાની શક્યતા છે, કારણ કે KGF બાબુ તે જ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે અને કોંગ્રેસના ટોચના નેતાઓના ફોનની રાહ જોઈ રહ્યા છે. તેમણે આપેલા અનેક વચનોનો અમલ કરીને વર્ષોથી આ વિસ્તારના લોકો માટે કામ કરી રહ્યા છે.

આકસ્મિક રીતે, શાઝિયા અને KGF બાબુની સંપત્તિના સંયુક્ત મૂલ્યમાં 2018ની ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવેલી સરખામણીમાં 121 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેણે કહ્યું, 'ગઈ વખતે મારી નેટવર્થ 1,743 કરોડ રૂપિયા હતી અને હવે તે ઘટીને 1,622 કરોડ રૂપિયા થઈ ગઈ છે. લોકોને આપેલા વાયદા પૂરા કરવા મેં કેટલીક મિલકતો વેચી છે.'
KGF બાબુએ કહ્યું કે, તેમણે 60,000 શિષ્યવૃત્તિ ઉપરાંત 3,000 ઘરો બનાવવા અને 23,000 પરિવારોને મફત LPG સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું, '400 ઘરો માટે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મફત LPG સિલિન્ડરનો દર મહિને 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.' KGF બાબુએ એવા સૂચનોને ફગાવી દીધા હતા કે, તેમને લઘુમતી સમુદાયમાંથી હોવાના કારણે અવગણવામાં આવ્યા છે.
KGF બાબુએ કહ્યું, 'કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કર્ણાટકમાં હાઈકમાન્ડે મને ટિકિટ આપવાનું વચન આપ્યું છે. જો પાર્ટી મને ટીકીટ નહીં આપે તો હું ચિકપેટના લોકો, કોર્પોરેટરો અને સમર્થકોની સલાહ લઈશ અને જે પાર્ટી મને ટીકીટ આપશે તેની સાથે જોડાઈશ. હું આ વિધાનસભાની ચૂંટણી લડવા મક્કમ છું.'
તેમની ગરીબ થી અમીર બનવાની વાર્તામાં ઘણા રસપ્રદ અને મજેદાર વળાંક છે. KGF બાબુ કહે છે કે, તેણે ભૂતપૂર્વ માઇનિંગ ટાઉન કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF)માં સ્ક્રેપ ડીલર તરીકે શરૂઆત કરી હતી. બાદમાં હરાજીમાં સ્ક્રેપ સોનાની ટાંકીઓ સાથે પાઇપ ખરીદી અને પૈસા કમાતા ગયા. બાદમાં તેણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ કર્યો. કર્ણાટકમાં તમામ 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન છે. અને વિધાનસભા ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ આવશે.

