6 મોત બાદ નૂહમાં મંજૂરી નથી છતા શોભાયાત્રા કાઢવા માટે હિંદુ સંગઠનોની જીદ કેમ?

PC: amarujala.com

હરિયાણાના નૂહમાં હિંદુ સંગઠનો 28મી ઓગસ્ટે ફરી એકવાર 'શોભાયાત્રા' કાઢવા માટે જીદ પકડીને બેઠા છે. નૂહ જિલ્લા પ્રશાસને આ માટે પરવાનગી આપી નથી. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે પણ મીડિયાને જણાવ્યું હતું કે નૂહ હિંસા પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજ મંડળ શોભાયાત્રાને ને મંજૂરી આપવામાં આવી નથી. ગયા વખતે જુલાઇ મહિનામાં જ્યારે શોભાયાત્રા નિકળી હતી ત્યારે નૂહમાં હિંસા ભડકી ઉઠી હતી અને તેમાં 6 લોકોના મોત થયા હતા. બીજી વખત શોભાયાત્રા કાઢવાની જાહેરાત પછી નૂહમાં ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે અને 24થી 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

હરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે 27 ઓગસ્ટે મીડિયાને કહ્યુ હતું કે તાજેતરમાં નૂહમાં જે ઘટના બની તેને ધ્યાનમાં રાખીને કાનૂન વ્યવસ્થાની દ્રષ્ટિએ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રાવણનો મહિનો છે, બધા લોકોની શ્રદ્ધા છે એટલે મંદિરોમાં જળાભિષેક કરવાની પરવાનગી આપવામાં આવી છે. બધા લોકો પોતપોતાના સ્થાનિક મંદિરોમાં જળાભિષેક કરી શકશે.

શોભાયાત્રાને પરવાનગી નહીં હોવા છતા વિશ્વ હિંદુ પરિષદ 28 ઓગસ્ટે શોભાયાત્રા કાઢવા માટે અડગ છે. વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે, અમને કોઇ મંજૂરીની જરૂરત નથી. વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ સુરેન્દ્ર જૈને દાવો કર્યો કે આ વિસ્તારના મુસલમાનોએ સહયોગ આપવાની વાત કરી છે. જૈને કહ્યું કે, 28 ઓગસ્ટે નૂહમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. આવા ધાર્મિક આયોજનો માટે તંત્રની પરવાનગી લેવાની કોઇ આવશ્યક્તા નથી. તંત્રને યાત્રા વિશે જાણકારી આપવામાં આવશે, કારણકે અમે એવું નથી ઇચ્છતા કે G-20 કાર્યકર્મ પર કોઇ અસર પડે. તેમણે કહ્યુ કે આ યાત્રા માત્ર વિશ્વ હિંદુ પરિષદની નથી, પરંતુ મેવાતના સમગ્ર હિંદુ સમાજ દ્રારા કાઢવામાં આવવાની છે. શાંતિપૂર્ણ યાત્રા કાઢવાની અમારી અપેક્ષા છે.

હિંદુ સંગઠનોની જીદ જોઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે અને ઇન્ટરનેટ ઉપરાંત SMS સેવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન કોલ કરવાની સુવિધા ચાલું રહેશે.

 

હરિયાણાના DCP શત્રુજીત કપુરે કહ્યુ કે 3થી 7 સપ્ટેમ્બર દરમિયાન નૂહમાં G-20 શેરપા સમૂહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. તેમણે કહ્યુ કે, 28 ઓગસ્ટે નૂહમાં શાળા, કોલેજો, બેંકો બંધ રહેશે. લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધારા 144નો કડકાઇથી અમલ કરવામાં આવશે. કોઇ પણ વ્યક્તિને લાયન્સ હથિયાર,, લાઠી, કુહાડી કોઇ પણ પ્રકારના હથિયારો લઇ જવાની પરવાનગી નથી.

તો બીજી તરફ ગુરુગ્રામ પોલીસે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી છે કે શોભાયાત્રામાં સામેલ ન થાય. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બ્રજ મંડળ શોભાયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. એટલે ગુરુગ્રામ પોલીસને બધા લોકોને અપીલ છે કે આ શોભાયાત્રામાં સામેલ ન થાય.

કોંગ્રેસે કહ્યું છે કે આ યાત્રા પર કોઇને આપત્તિ ન હોવી જોઇએ. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, યાત્રા કરવી દરેકનો અધિકાર છે અને તેની સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. પરંતુ સરકારે આની ગંભીરતા દાખવીને સર્તકતા રાખવી પડશે. ગયા વખતે સરકારને ખબર હોવા છતા સુરક્ષાના યોગ્ય પગલા લેવામાં નહોતા આવ્યા. ઉશ્કેરણી જનક નિવેદનોને કારણે હિંસા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp