INDIA નહીં, હવે 'ભારત' લખો.. શાળાના પુસ્તકોમાં નામ બદલાશે? NCERT પેનલની ભલામણ
G20 સમિટ 2023 દરમિયાન દેશનું નામ બદલવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. INDIAને બદલે 'ભારત' લખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. G20ના આમંત્રણમાં રાષ્ટ્રપતિએ INDIAને બદલે ભારત લખ્યું હતું. ત્યારપાછી G20 દરમિયાન PM નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ 'ભારત' લખવામાં આવ્યું હતું. ત્યાર પાછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું અને ત્યારે ચર્ચાએ જોર પકડ્યું. જોકે, આવું કંઈ થયું નથી. હવે શાળાના પુસ્તકોમાં દેશનું નામ બદલવાની ભલામણ કરવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની ઉચ્ચ સ્તરીય સમિતિએ આની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ CI આઈઝેકે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, INDIAને શાળાના અભ્યાસક્રમમાંથી કાઢીને 'ભારત' કરી દેવું જોઈએ. બીજી ભલામણ એ છે કે, અભ્યાસક્રમમાંથી પ્રાચીન ઈતિહાસ કાઢી નાખવા અને તેની જગ્યાએ 'શાસ્ત્રીય ઈતિહાસ' ભણાવવાની.
આઈઝેકે કહ્યું કે, સાત સભ્યોની સમિતિએ સર્વસંમતિથી આ ભલામણ કરી છે. તેમણે કહ્યું કે 'ભારત વર્ષો જૂનું નામ છે. ભારત નામનો ઉપયોગ વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં થાય છે, જે 7,000 વર્ષ જૂનો છે.' આઈઝેકે કહ્યું, 'ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના અને 1757માં પ્લાસીના યુદ્ધ પછી જ INDIA શબ્દ સામાન્ય ઉપયોગમાં આવ્યો.' તેથી, સમિતિએ સર્વાનુમતે સૂચન કર્યું છે કે, તમામ વર્ગોના પુસ્તકોમાં INDIAને બદલે ભારત નામનો ઉપયોગ કરવો જોઈએ.
G20 સમિટ દરમિયાન પ્રથમ વખત ભારતનું નામ સત્તાવાર રીતે લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા રાત્રિભોજનના આમંત્રણમાં ‘INDIAના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું હતું. આ અંગે વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારપાછી G20 પ્લેટફોર્મ પરથી PM મોદીની નેમપ્લેટ પર પણ 'ભારત' લખેલું જોવા મળ્યું.
આઇઝેકે કહ્યું કે, NCERTએ 2021માં વિવિધ વિષયો પર પેપર તૈયાર કરવા માટે 25 સમિતિઓની રચના કરી હતી. તેમની સમિતિ પણ આમાંથી એક છે. આ સમિતિએ પાઠ્યપુસ્તકોમાં 'પ્રાચીન ઇતિહાસ'ને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે 'બ્રિટિશરોએ ભારતીય ઈતિહાસને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યો, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક જેમાં ભારતને અંધકારમાં બતાવવામાં આવ્યું, વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રગતિથી અજાણ દર્શાવવામાં આવ્યું હતું. જો કે, તે યુગમાં ભારતની સિદ્ધિઓના ઘણા ઉદાહરણોમાં આર્યભટ્ટનું સૌરમંડળના મોડેલ પર કામ સામેલ છે.'
આઇઝેકે કહ્યું, 'તેથી, અમે સૂચવ્યું છે કે ભારતીય ઇતિહાસનો શાસ્ત્રીય સમયગાળો મધ્યકાલીન અને આધુનિક સમયગાળાની સાથે શાળાઓમાં ભણાવવો જોઈએ.' તેમણે કહ્યું કે, સમિતિએ પાઠ્યપુસ્તકોમાં 'હિન્દુ વિજય'ને હાઈલાઈટ કરવાની પણ ભલામણ કરી છે. આઇઝેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR)ના સભ્ય પણ છે. વધુમાં, સમિતિએ તમામ વિષયોના અભ્યાસક્રમમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS)નો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp