
દિલ્હીથી આંધ્રપ્રદેશ અને ગુજરાતથી આસામ સુધી... દેશના 9 રાજ્યોમાં ત્રણ ડઝનથી વધુ ગામડાઓ અને શહેરો એવા છે જે સાયબર ક્રાઇમના ગઢ બની ગયા છે.
અત્યાર સુધી ઝારખંડના જામતાડાને સાયબર ક્રાઈમનો ગઢ માનવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે કહ્યું છે કે દેશમાં જામતાડા જેવા એક-બે નહીં પરંતુ ત્રણ ડઝનથી વધુ 'જામતાડા' છે.
સરકારના જણાવ્યા અનુસાર, દેશના 9 રાજ્યો- હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં સાયબર ક્રાઇમના હોટસ્પોટ છે.
આ હોટસ્પોટ ક્યાં છે? :
હરિયાણા: મેવાત, ભિવાની, નુહ, પલવલ, મનોતા, હસનપુર, હાથન ગામ,
દિલ્હી: અશોક નગર, ઉત્તમ નગર, શકરપુર, હરકેશ નગર, ઓખલા, આઝાદપુર,
બિહાર: બાંકા, બેગુસરાય, જમુઈ, નવાદા, નાલંદા, ગયા,
આસામ: બરપેટા, ધુબરી, ગોલપારા, મોરીગાંવ, નાગાંવ,
ઝારખંડ: જામતાડા, દેવઘર,
પશ્ચિમ બંગાળ: આસનસોલ, દુર્ગાપુર,
ગુજરાત: અમદાવાદ, સુરત,
ઉત્તર પ્રદેશ: આઝમગઢ,
આંધ્ર પ્રદેશ: ચિત્તૂર.
મીડિયાએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, આ રાજ્યોમાં બેસીને સાયબર ક્રાઈમ કરનારા મોટાભાગના લોકો ભારતની બહારના છે. આ લોકો ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે.
10 જાન્યુઆરી 2020ના રોજ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આની મુલાકાત લઈને સાયબર ક્રાઈમની ફરિયાદ કરી શકાશે.
ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જણાવ્યું કે, આ પોર્ટલ પર અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ફરિયાદો આવી છે, જેના આધારે 40 હજાર FIR નોંધવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પોર્ટલ સિવાય, એક હેલ્પલાઇન નંબર '1930' પણ બહાર પાડવામાં આવ્યો છે, જે દેશભરની 250થી વધુ બેંકો સાથે જોડાયેલ છે. સાયબર ફ્રોડના કિસ્સામાં, તમે આના પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
તેમણે જણાવ્યું કે, સાયબર ફ્રોડની વહેલી જાણ થવાને કારણે સાયબર ગુનેગારો પાસેથી 235 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ રકમ 1.33 લાખથી વધુ લોકો પાસેથી છેતરપિંડી કરીને લેવામાં આવી હતી.
સીતારામ મંડળ. બેરોજગાર પિતાનો એક બેરોજગાર પુત્ર હતો. કામની શોધમાં 2010માં મુંબઈ ગયો હતો. ત્યાં તેણે રેલ્વે સ્ટેશનથી લઈને રસ્તાની બાજુના સ્ટોલ સુધી કામ કર્યું. બાદમાં તેને કોલ સેન્ટરમાં નોકરી મળી અને અહીંથી તેનું જીવન બદલાઈ ગયું.
2012માં સીતારામ મંડળ જામતાડા પાછો આવ્યો. અહીં આવ્યા બાદ તેણે સાયબર ફ્રોડ કરવાનું શરૂ કર્યું. તેની છેતરપિંડી કરવાની પદ્ધતિ પણ અલગ હતી. તે સીરીઝ પ્રમાણે મોબાઈલ નંબર બનાવતો હતો અને કોલ કરતો હતો. પછી લોકો પાસે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર માંગતો અને OTP માંગતો. OTP દાખલ કરતાની સાથે જ લોકોના ખાતામાંથી પૈસા તેની પાસે આવી જતા હતા.
2016માં જ્યારે જામતાડા પોલીસે તેને પકડ્યો ત્યારે તેના ખાતામાંથી 12 લાખ રૂપિયાથી વધુ રકમ મળી આવી હતી. તેણે બે પાકાં મકાનો બનાવ્યાં હતાં. તેણે તેની બંને બહેનોને સારી રીતે પરણાવી હતી. તેની પાસે સ્કોર્પિયો કાર પણ હતી. પોલીસે તેની પાસેથી 7 સ્માર્ટફોન અને 15 સિમ કાર્ડ પણ કબજે કર્યા હતા.
જામતાડાનાં મોટાભાગનાં ગામોમાં લોકોને છેતરવાનો ખેલ ચાલે છે અને ચાલી રહ્યો છે. આ લોકો નકલી IDની મદદથી સિમ કાર્ડ ખરીદે છે.
બે લોકો એકસાથે મળીને છેતરપિંડી કરે છે. એક ફોન કરે છે અને બીજો તમામ વિગતો ભરીને છેતરપિંડી કરે છે. માત્ર એક ફોન કોલ દ્વારા જ આ લોકો હજારો રૂપિયાની ઉચાપત કરી નાંખતા હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જામતાડા 70 અને 80ના દાયકામાં ટ્રેન લૂંટ અને ડાક માટે કુખ્યાત હતું. જ્યારે મોબાઈલ ફોનનો ટ્રેન્ડ વધ્યો ત્યારે આ સાયબર ઠગીનો ગઢ બની ગયો.
2004 અને 2005 પછી ભારતમાં મોબાઈલ ફોનનો ટ્રેન્ડ વધ્યો હતો. આ કારણોસર ગુનેગારોએ છેતરપિંડી અને લૂંટનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.
2020માં નેટફ્લિક્સ પર જામતાડા પર એક વેબ સિરીઝ પણ આવી છે. અત્યાર સુધીમાં તેની બે સિઝન આવી ચૂકી છે. જેમાં જામતાડા અને ત્યાંના સાયબર ગુનેગારોની કહાની અને તેમની પદ્ધતિઓ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.
આ સિરીઝમાં એ પણ બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે ત્યાંના સાયબર ઠગને રાજકારણીઓનું સમર્થન પણ મળે છે. અને બધા મળીને નિર્દોષ લોકોને છેતરવાનું કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp