લગ્નના દિવસે ભાગેલો વર પ્રેમિકા સાથે પાછો ફર્યો, નાના ભાઈએ ભાભી સાથે લગ્ન કર્યા

PC: english.newstracklive.com

પીલીભીતમાં, લગ્નના દિવસે ફેશિયલ કરાવવાના બહાને ભાગી ગયેલો વર 10 દિવસ પછી તેની પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરીને પાછો ફર્યો. પરંતુ પરિવારે તેને ઘરમાં આવવાની ના પાડી દીધી હતી. તેના પિતાએ કહ્યું કે, હવે તેનો પુત્ર સાથે કોઈ સંબંધ નથી. તે પુખ્ત વયના છે અને તે જેની ઈચ્છે તેની સાથે રહી શકે છે. લગ્નના વરઘોડાના થોડા કલાકો પહેલા ખોટું બોલીને ભાગી જવાના કારણે તેમને સમાજમાં અને સગા-સંબંધીઓમાં ભારે શરમ અનુભવવી પડી હતી. જો તેનો નાનો દીકરો પણ લગ્ન માટે તૈયાર ન હોત તો બંને પરિવારો માટે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હોત.

અહીં તમને જણાવી દઈએ કે, બિલસંદા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર ગામના રહેવાસી માવત તિવારીએ પોતાના મોટા પુત્ર શશાંકના લગ્ન બરેલીમાં નક્કી કર્યા હતા. 1 જાન્યુઆરીએ જાન નીકળવાની હતી. પરંતુ જાન નીકળવાના થોડા સમય પહેલા જ શશાંક, ફેશિયલ કરાવી, અને વાળ કલર કરાવીને આવું છું, તેમ કહીને ભાગી ગયો હતો. લાંબા સમય સુધી શશાંક પરત ન આવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. શશાંકની બધે શોધખોળ કરવામાં આવી પરંતુ તેના વિશે કોઈને કંઈ જ માહિતી મળી નહોતી.

ત્યાર પછી કન્યા પક્ષ સાથે વાત કરીને શશાંકના નાના ભાઈ વિષર્ભને વરરાજા તરીકે તૈયાર કરીને લગ્નના વરઘોડામાં લઈ જવામાં આવ્યો હતો. વિષર્ભે તેની ભાવિ ભાભી સાથે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂરી કરી. આ દરમિયાન પરિવાર અને પોલીસ શશાંકને દરેક જગ્યાએ શોધતી રહી. શશાંકને શોધવા પોલીસે સર્વેલન્સનો સહારો લીધો હતો.

આ મામલે સ્ટેશન ઈન્ચાર્જ અચલ કુમારે જણાવ્યું કે, ગુમ થયેલા વરરાજાના નંબરના CDRમાંથી એક છોકરીનો નંબર મળ્યો. ત્યારબાદ યુવતીને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે કશું જ બતાવ્યું નહીં.

જ્યારે કડક થઈને પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, તેણે શશાંક સાથે કોર્ટ મેરેજ કર્યા છે. ત્યારબાદ યુવતીએ પોલીસને કોર્ટ મેરેજના કાગળો બતાવ્યા. આ પછી શશાંકના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા. છોકરાના પિતાએ કહ્યું કે, તેણે તેના મોટા પુત્ર સાથેના સંબંધો તોડી નાખ્યા છે. બંને પુખ્ત છે અને તેઓ તેમની મરજીથી જે ઈચ્છે તે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp