Video: પોલીસે કોર્ટમાં સિસોદિયાનું ગળું પકડ્યું, AAPનો વીડિયો શેર કરી આરોપ

PC: livehindustan.com

દિલ્હીમાં વિવાદિત આબકારી નીતિના કેસમાં 26 ફેબ્રુઆરીથી કસ્ટડીમાં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને મંગળવારે દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે મની લોન્ડ્રિંગના કેસમાં મનિષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી વધારતા ફરીથી મનિષ સિસોદિયાને ઝટકો આપી દીધો છે. મનિષ સિસોદિયાને કોર્ટ લઈ જતી વખતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને આમ આદમી પાર્ટી (AAP) ગુસ્સે ભરાઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, દિલ્હી પોલીસ મનિષ સિસોદિયા સાથે દુર્વ્યવહાર કરી રહી છે. દિલ્હીના શિક્ષણ મંત્રી અતિશી માર્લેનાએ મનિષ સિસોદિયાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ દિલ્હી પોલીસ સાથે કોર્ટ તરફ જતા નજરે પડી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસના વલણ પર સવાલ કરવા સાથે જ સવાલ પૂછ્યા કે શું પોલીસને આ પ્રકારે મનિષ જી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને ઉપરથી ઓર્ડર મળ્યો છે?

મનિષ સિસોદિયાના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પોલીસકર્મી તેમના ગળામાં હાથ નાખીને દબોચીને લઈ જતાં દેખાઈ રહ્યા છે. તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હી પોલીસ પર જોરદાર પ્રહાર કર્યો છે અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. આતિષીએ વીડિયો શેર કરતા લખ્યું કે, રાઉજ એવેન્યુ કોર્ટમાં આ પોલીસકર્મી દ્વારા મનિષજી સાથે ચોંકાવનારો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ.

તો સૌરભ ભારદ્વાજે લખ્યું કે, શું પોલીસને આ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે. શું પોલીસને એમ કરવા માટે મોદીજીએ કહ્યું છે? દિલ્હી પોલીસે આ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આતિષીના અકાઉન્ટથી શેર કરવામાં આવેલા વીડિયોને અરવિંદ કેજરીવાલે પણ રીટ્વીટ કરતા કેન્દ્રની મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, શું પોલીસને આ પ્રકારે મનિષ જી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને ઉપરથી ઓર્ડર મળ્યો છે?

મનિષ સિસોદિયા સાથે દુર્વ્યવહારના આમ આદમી પાર્ટીના આરોપો પર દિલ્હી પોલીસે પણ જવાબ આપ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે, રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કરતી વખત મનિષ સિસોદિયા સાથે પોલીસ દુર્વ્યવહારની વાત દૂષ્પ્રચાર છે. વીડિયોમાં પ્રચારિત પોલીસની પ્રતિક્રિયા સુરક્ષાની દૃષ્ટિથી અનિવાર્ય હતી. ન્યાયિક સુરક્ષામાં આરોપી દ્વારા મીડિયાને વક્તવ્ય જાહેર કરવું વિધિ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ એક્સાઈઝ પોલિસી લાગૂ કરી હતી. આ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ થયેલી તપાસમાં ED અને CBIએ મનિષ સિસોદિયા પર કાર્યવાહી કરી. તેમને 26 ફેબ્રુઆરી 2023ના રોજ લાંબી પૂછપરછ બાદ EDએ ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp