દારૂનું એક ટીપું 7 પ્રકારના કેન્સરનું બની શકે છે કારણ, WHOએ કર્યો મોટો ખુલાસો

PC: ambrosiaindia.com

નવા વર્ષની શરૂઆત સાથે જ શિયાળાનો પ્રકોપ પણ વધવા લાગ્યો છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલમાં કડકડતી ઠંડીના કારણે ધ્રૂજી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો ઠંડીથી બચવા અને શિયાળામાં ગરમ રહેવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. જ્યારે, કેટલાક લોકો એવા છે જેઓ ઠંડીમાં ગરમ રહેવા માટે દારૂનું સેવન કરે છે. આલ્કોહોલ અને સ્મોકિંગ એવી આદતો છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. કેટલાક લોકો માને છે કે દારૂનું વ્યસન અથવા આદત તમને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું નુકસાનકારક નથી. જોકે, હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. હાલમાં જ બહાર આવેલા આ સંશોધન મુજબ, આલ્કોહોલનું એક ટીપું પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરે છે, તો તે જ સમયે તે કેન્સર જેવી ગંભીર બીમારી તરફ પહેલું પગલું ભરે છે. તે થોડો કે ઘણો દારૂ પીવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. વાસ્તવમાં, WHOએ દાવો કર્યો છે કે દારૂનું એક ટીપું પણ તમારા માટે ઝેર સમાન છે. તાજેતરમાં જ WHOએ તેના પ્રકાશિત નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે આલ્કોહોલના સેવનની વાત આવે છે, ત્યારે તેની એવી કોઈ સુરક્ષિત માત્રા નથી કે જેનાથી સ્વાસ્થ્ય પર અસર ન થાય. બિન-સંચારી રોગ વ્યવસ્થાપન માટેના પ્રાદેશિક સલાહકાર ડૉ. કેરિના ફરેરા-બોર્ગેસના જણાવ્યા મુજબ, દારૂના ઉપયોગના માનવામાં આવેલા સુરક્ષિત સ્તર વિશે કોઈ દાવો કરી શકતો નથી.

આ રિપોર્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમ પણ કહ્યું છે કે, આલ્કોહોલ એક હાનિકારક પીણું છે, તેથી બને તેટલું તેનાથી બચવું જોઈએ. આ સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આલ્કોહોલનું એવું કોઈ નિશ્ચિત માપદંડ નથી, જેથી એ જાણી શકાય કે ઓછું પીવામાં કોઈ નુકસાન નથી અને વધુ દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થશે. આલ્કોહોલના સેવનને લઈને કરવામાં આવેલા આ ખુલાસામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમ પણ જણાવ્યું કે આલ્કોહોલ પીવાથી સાત પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે. આ સાત પ્રકારના કેન્સરમાં ગળાનું કેન્સર, લીવર કેન્સર, કોલોન કેન્સર, મોંનું કેન્સર, સ્તન કેન્સર, અન્નનળીનું કેન્સર વગેરેનો સમાવેશ થાય છે.

આલ્કોહોલ પીવાના આ રિપોર્ટ પછી એ કહેવું મુશ્કેલ છે કે, તમારે ઓછી માત્રામાં દારૂ પીવાથી કોઈ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે નહીં. જે લોકો માને છે કે સંયમિત દારૂ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, તેમની ધારણા સંપૂર્ણપણે ખોટી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આ અભ્યાસ મુજબ ઈથેનોલ (આલ્કોહોલ) જૈવિક પ્રણાલી દ્વારા કેન્સરનું કારણ બને છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દારૂનું સેવન સંયમિત હોય કે વધુ પ્રમાણમાં, તે તમને કેન્સર જેવી ગંભીર બીમારી તરફ ધકેલી શકે છે. આવી સ્થિતિમાં, આવામાં એવું કહેવું ખોટું નહીં હોય કે, ઓછું કે વધુ દારૂ પીવાથી કેન્સર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp