રાહુલના સમર્થનમાં પોસ્ટર અભિયાન, ‘મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ છીનવી લેવાયા બાદ તેમના સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. હવે દેશના ઘણા ભાગોમાં લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર લગાવી રહ્યા છે, તેઓએ પોસ્ટરો પર લખ્યું છે કે ‘મેરા ઘર રાહુલ કા ઘર’. ઘણા નેતાઓ અને સામાન્ય લોકો ઘરે ઘરે પોસ્ટર લગાવીને રાહુલનું સમર્થન કરી રહ્યા છે.
ટ્વીટર પર પણ મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી ટ્રેડ થઇ રહ્યું છે. અનેક લોકો પોતાના ઘર પર આવા પોસ્ટરો લગાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ એક પત્રમાં કહ્યુ હતું કે તેઓ પોતે જ નિયમ મુજબ સરકારી બંગલો ખાલી કરી દેશે. લોકો આ પોસ્ટરોના માધ્યમથી કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ છીનવી લેવાયું છે. લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે,PM મોદી બદલાંની ભાવનાથી કામ કરી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી લોકોના દીલમાં વસેલા છે. રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમની સામે પગલાં લેવાયા છે.
બનારસમાં કોગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘર પોસ્ટર લગાવ્યું છે. તેમણે કહ્યુ કે, જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, પહેલા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું અને હવે સરકારી બંગલો ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ગાંધી પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પ્રયાગરાજમાં આનંદ ભવનને સરકારને દાનમાં આપી દેવામાં આવ્યું છે. આજે એવા પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી પાસે સરકારી બંગલો ખાલી કરાવાય રહ્યો છે.
રાહુલ ગાંધીની મુસીબતની શરૂઆત 23 માર્ચથી શરૂ થઇ હતી, જ્યારે સુરતની કોર્ટે એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરી હતી. એના બીજા જ દિવસે લોકસભામાં તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.
રાહુલનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઇ છે અને છેલ્લાં 6 દિવસથી સતત લડત આપી રહી છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ ભાજપ સામે સતત પ્રહાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય લોકો પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે અને ઘરે ઘરે પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp