આ મુદ્દે મોદી સરકારને મળ્યું આમ આદમી પાર્ટીનું સમર્થન

PC: malayalam.indiatoday.in

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે PM મોદી સરકારને આ મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે મીડિયા સૂત્રો સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે.

સંદીપ પાઠકે બુધવારે કહ્યું, 'આર્ટિકલ 44 પણ એ કહે છે કે, UCC હોવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટી માને છે કે, આ મુદ્દા પર તમામ ધર્મો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા થવી જોઈએ. દરેકની સંમતિ પછી જ તેનો અમલ થવો જોઈએ.'

જો કે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે પણ UCCને લઈને કેન્દ્રની BJP સરકાર અને PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સંદીપ પાઠકે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીમાં તે સામેલ છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ જટિલ અને સમૂહના મુદ્દાઓ લઈને આવે છે.

પાઠકે વધુમાં કહ્યું કે, 'BJPને UCC લાગુ કરવા અને આ મુદ્દાને ઉકેલવા સાથે કોઈ લેવાદેવા નથી. BJP માત્ર મૂંઝવણની સ્થિતિ પેદા કરે છે, જેથી દેશમાં વિભાજન થાય અને પછી ચૂંટણી લડી શકાય. કારણ કે જો PM નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં કામ કર્યું હોતે તો તે કામ માટે તેમણે સમર્થન મળતે, PM નરેન્દ્ર મોદી પાસે કામ માટે સમર્થન નથી, તેથી તેઓ UCCનો સહારો લેશે.'

હકીકતમાં, PM નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાના સંબોધન દરમિયાન UCCને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતના મુસ્લિમોએ સમજવું પડશે કે, કઈ રાજકીય પાર્ટીઓ આ કરી રહી છે. જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? આ લોકો અમારા પર આરોપ લગાવે છે. જો તે મુસલમાનોના સાચા શુભચિંતક હોત તો મુસલમાન પણ પાછળ ન રહ્યા હોત. સર્વોચ્ચ અદાલત વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું કહી રહી છે, પરંતુ આ વોટબેંકના ભૂખ્યા લોકો એવું કરવા માંગતા નથી.

PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, વોટબેંકના ભૂખ્યા લોકો મુસ્લિમ બહેનોનું ઘણું નુકસાન કરી રહ્યા છે. ટ્રિપલ તલાકનું નુકસાન માત્ર દીકરીઓને જ નથી, પરંતુ તેનો વ્યાપ આના કરતાં ઘણો મોટો છે. આનાથી સમગ્ર પરિવાર બરબાદ થઈ જાય છે. જો કોઈ દીકરીને ટ્રિપલ તલાક કહીને કાઢી મૂકે તો તેના પિતાનું શું થશે, તેના ભાઈનું શું થશે, આનાથી આખો પરિવાર બરબાદ થઈ જાય છે. જો ઇસ્લામમાં ટ્રિપલ તલાક આટલું અનિવાર્ય હતું, તો પછી કતાર, જોર્ડન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં શા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? ઇજિપ્તે આજથી 90 વર્ષ પહેલા તેને નાબૂદ કરી દીધી હતી. જો તે ઇસ્લામ સાથે સંબંધિત હોત તો ઇસ્લામિક દેશો તેને કેમ ખતમ કરી દે છે. ટ્રિપલ તલાકના મુદ્દાને લટકાવીને, કેટલાક લોકો મુસ્લિમ બહેનોને ત્રાસ આપવા માટે ખુલ્લી છૂટ માંગે છે.

યુનિફોર્મ સિવિલ કોડમાં તમામ ધર્મો માટે કાયદાની વ્યવસ્થા હશે. દરેક ધર્મનો પોતાનો વ્યક્તિગત કાયદો છે, જેમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતો માટેના પોત-પોતાના કાયદા છે. UCCના અમલીકરણ સાથે, તમામ ધર્મોમાં રહેતા લોકોના કેસ માત્ર નાગરિક નિયમો દ્વારા જ હાથ ધરવામાં આવશે. UCC લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકાર અને મિલકત અધિકારો સંબંધિત કાયદાઓને સુવ્યવસ્થિત કરવા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp