26th January selfie contest

PM મોદીએ હીરાબા માટે ભાવૂક પોસ્ટ લખેલી, ભારતીય મહિલાઓ માટે કશું અસંભવ નથી

PC: dnaindia.com

PM મોદીના માતા હીરા બેનનું આજે સવારે નિધન થયું છે. ખુદ વડાપ્રધાને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. હીરા બેન 100 વર્ષના હતા PM મોદી શુક્રવારે અમદાવાદ આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીને તેમની માતા પ્રત્યે અપાર પ્રેમ હતો.  તેમણે આ વર્ષે 100 વર્ષ પૂરા થવા પર તેમની માતા માટે ભાવુક પોસ્ટ લખી હતી.

PM મોદીએ તેમના બાળપણની કેટલીક ખાસ પળોને યાદ કરી જે તેમણે તેમની માતા સાથે વિતાવી હતી. તેમણે જ્યારે તેઓ મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમની માતાએ કરેલા અનેક બલિદાનોને યાદ કર્યા અને તેમની માતાના વિવિધ ગુણોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે દર્શાવે છે કે માતા હીરા બેનનું જીવન પ્રેરણાના સ્ત્રોતથી ઓછું ન હતું.

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાની વર્ષ ગાંઠ પર 18 જૂન 2022ના દિવસે પ્રધાનમંત્રી મોદીએ એક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં માતાએ તેમનું કેવી રીતે ઘડતર કર્યું તેની વિસ્તારથી વાત લખી હતી.PM મોદીએ લખ્યું હતું કે નાની ઉંમરમાં મારી માતાએ મારા દાદીને સ્પેનિશ ફલૂને કારણે ગુમાવી દીધા હતા. મારી માતાને મારા દાદીનો ચહેરો પણ યાદ નથી. મારી માતાએ અનેક જવાબદારીઓ અને સંઘર્ષ પછી પણ પરિવારને સંયમ અને દ્રઢતા સાથે એકજૂટ રાખ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ લખ્યું હતું કે મારી માતા ઘર ચલાવવા માટે લોકોના ઘરોના વાસણો માંજવા જતી અને સમય કાઢીને ચરખો પણ ચલાવતી હતી. તેમણે આગળ લખ્યું હતું કે, મારી માતાને બીજાની ખુશીમાં જ ખુશી મળતી. અમારું ઘર નાનું હતું, પણ તેનું દિલ વિશાળ હતું.

પ્રધાનમંત્રી મોદીએ બ્લોગમાં લખ્યુ હતું કે મારા પિતાના એક ખાસ મિત્ર નજીકના ગામમાં રહેતા હતા. મિત્રના નિધન બાદ મારા પિતા તેમના પુત્ર અબ્બાસને અમારા ઘરે લઇ આવ્યા હતા. અબ્બાસ અમારી સાથે જ રહ્યો અને ભણવાનું પુરુ કર્યું હતું. મારી માતા અબ્બાસને પણ એટલો જ પ્રેમ કરતી જેટલો અમને કરતી હતી. દરેક ઇદના તહેવાર પર મારી માતા અબ્બાસ માટે ખાસ વાનગી પણ બનાવતી હતી.

PMએ લખ્યું હતું કે મારી માતામાં અનેક ગુણોમાંનો એક ગુણ એ હતો કે તે સાફ સફાઇ રાખવા વાળાને સન્માન આપતી. મને યાદ છે કે વડનગરમાં જ્યારે પણ કોઉ ગટર સફાઇ કરતું ત્યારે મારી માતા તેમને ચા પિવડાવ્યા વગર જવા દેતી નહોતી.પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે સફાઇકર્મીઓ કામ પુરુ થયા પછી ચા પીને જાય એના માટે અમારું ઘર વડનગરમાં ફેમસ થઇ ગયું હતું.

PM મોદીએ લખ્યુ હતું કે, જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મારા બધા શિક્ષકોનું સન્માન કરવા માંગતો હતો. મેં વિચાર્યું કે મારી માતા જ મારા જીવનની સૌથી મોટી શિક્ષક રહી છે તો મારે તેમનું જ સન્માન કરવું જોઇએ. મેં મારી માતાને આગ્રહ કર્યો કે તે સમારંભમાં આવે, પરંતુ મારી માતાએ સન્માન લેવાનો ઇન્કાર કરી દીધો હતો. તે વખતે મારી માતાએ કહેલું કે હું સાધારણ વ્યકિત છું. ભલે મેં તને જન્મ આપ્યો, પરંતુ તને ભણાવ્યો અને મોટો કર્યો ભગવાને. તે દિવસે મેં મારી માતા સિવાય બધા શિક્ષકોનું સન્માન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ લખ્યું હતું કે મારી માતાને દુનિયામાં શું ચાલી રહ્યું તે બધી વાતની ખબર રહેતી હતી. હું તેમને પુછતો કે, માતા, તમે દિવસમાં કેટલાંક ટીવી જુઓ છો? તો માતા કહેતી કે, ટીવી પર મોટે ભાગે ઝગડા જ જોવા મળે છે, પરંતુ એ સમાચાર હું જોવું છું જેમાં શાંતિથી સમજ પાડવામાં આવતી હોય.

PM નરેન્દ્ર મોદીએ બ્લોગમાં લખ્યું હતું કે તારો પુત્ર આજે દેશના પ્રધાનમંત્રી બન્યો છે તો તને ગર્વ છે? તો માતા કહેતી કે જેટલો ગર્વ તને છે એટલો જ મને પણ છે, પરંતુ એમાં મારું યોગદાન નથી, હું ભગવાનની યોજનાનું નિમિત્ત માત્ર છું.

માતાના જીવનમાં હું ભારતની નારી શક્તિની તપસ્યા,ત્યાગ અને સમર્પણ જોઉં છું. જ્યારે પણ હું તેમને નિહારું છું ત્યારે તેમના જેવી કરોડો મહિલાઓને એમનામાં જોઉં છું, મને લાગે છે કે ભારતીય મહિલાઓ માટે કશું અસંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp