મધ્ય પ્રદેશમાં બજરંગ દળના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ, જુઓ વીડિયો

PC: news18.com

મધ્ય પ્રદેશના ઇંદોરમાં નશાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા બજરંગ દળના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. કાર્યકરોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા જ્યાં તેમણે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બજરંગ દળના કાર્યકરોને મળવા જેલ પહોંચી ગયા હતા.

મધ્યપ્રદેશમાં ઇંદોરના પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે રાત્રે અફડા તફડીનો માહોલ હતો. પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહેલા બજરંગ દળના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ પછી તેમને બસમાં લઈ જવામાં આવ્યા હતા. જેલ પહોંચ્યા બાદ બજરંગ દળના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેઠા છે. તેમનો આરોપ છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે જબરદસ્તીથી હિંસાનો પ્રયોગ કર્યો હતો.મોડી રાત્રે ભાજપના અધ્યક્ષ કાર્યકરોને મળવા જેલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત થઇ છે.

બીજી તરફ, DCP ધર્મેન્દ્ર સિંહ ભદોરિયાનું કહેવું છે કે સંગઠનના કાર્યકરો મંજૂરી લીધા વગર પ્રદર્શન કરી રહ્યા હતા, જેને કારણે ભારે ટ્રાફીક જામ થઇ ગયો હતો. પોલીસે કાર્યકરોને સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા નહી, એટલે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. જેમાં કેટલાંક પોલીસ કર્મીઓને પણ ઇજા થઇ છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં નશાની વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે પલાસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે રસ્તા પર જ નારેબાજી શરૂ કરી દીધી હતી. તે વખતે આ વિસ્તારમાં ટ્રાફીક જામ થઇ ગયો હતો.પોલીસે કાર્યકરોને સમજાવ્યા, પરંતુ માન્યા નહી તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

બજરંગ દળના કાર્યકરોનું કહેવું છે કે કેટલાંક વિસ્તારોમાં કલબમાં મોડી રાત સુધી નશાખોરી ચાલતી રહી છે. આવી કલબો સામે આવેદન પત્ર આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે કાર્યકરોની જબરદસ્ત પિટાઇ કરી હતી અને પછી બસમાં ભરીને જેલમાં મોકલી આપ્યા હતા.

પોલીસે લગભગ ડઝનેક જેટલા બજરંગ દળના પદાધિકારીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. બજરંગ દળના સંયોજક તન્નુ શર્માએ કહ્યું કે પોલીસે વગર કારણે લાઠીચાર્જ કર્યો હતો. જ્યાં સુધી પોલીસની સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાળ કરતા રહીશું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp